________________
કાકા કાલેલકર અને બીજા જ્યોતીન્દ્ર દવે. કૉલેજમાં આવ્યો ત્યારે પ્રથમ વર્ષમાં
જ્યોતીન્દ્ર દવેના “રંગતરંગ'નો પહેલો ભાગ અમારે પાઠ્યપુસ્તક તરીકે ભણવાનો હતો. એમના મિત્ર કવિ બાદરાયણ અધ્યાપક તરીકે ઝેવિયર્સ કૉલેજમાં અમને રસથી ભણાવે. એક દિવસ તેઓ વર્ગમાં જ્યોતીન્દ્ર દવેને લઈ આવ્યા. ત્યારે મેં એમને પહેલી વાર જોયેલા. જ્યોતીન્દ્રનો પરિચય આપતાં બાદરાયણે મજાક કરતાં કહ્યું,
જ્યોતીન્દ્રને જોતાં આપણને એમ થાય કે ક્યાંક દુકાળ પડ્યો હશે તેવી જગ્યાએથી તેઓ આવ્યા લાગે છે.” પછી જવાબમાં જ્યોતીન્દ્ર કહ્યું, “બાદરાયણની વાત સાચી છે. હું દુકાળવાળા પ્રદેશમાંથી આવ્યો હોઉં એવો લાગું છું, પરંતુ ત્યાં દુકાળ પડવાનું કારણ બાદરાયણ પોતે છે એ તમે એમના ઊંચા, પડછંદ ભરાવદાર શરીર પરથી સમજી શકશો." પછી તો જે કોઈ જાહેર સભામાં બાદરાયણ અને જ્યોતીન્દ્ર સાથે હોય ત્યાં આ એમની પેટન્ટ રમૂજ રજૂ થતી.
મુંબઈના જાહેર જીવનમાં જ્યોતીન્દ્રને વક્તા તરીકે આગવું સ્થાન મળ્યું હતું. એમને જોવા અને સાંભળવા લોકો ટોળે મળતા. ક્યારેક નવરાત્રિના દિવસોમાં હાસ્યરસિક એક કાર્યક્રમમાંથી બીજા કાર્યક્રમમાં જતાં એમને મોડું થતું તો લોકો રાત્રે બેચાર કલાક પણ એમની રાહ જોઈને બેસી રહેતા. કવિ-સંમેલનો અને મુશાયરાઓનું સંચાલન તેઓ સફળતાપૂર્વક કરતા. એમની રસિક વાણીથી સાધારણ જનસમુદાય અને વિદ્વદ્દવર્ગ બંને પ્રસન્ન થતા.
- રાતના કાર્યક્રમોમાં વારંવાર જવાને લીધે મોડી રાત સુધી જાગવાની જ્યોતીન્દ્રને ટેવ પડી ગઈ હતી. એક વખત એક કાર્યક્રમ માટે અમે એમને નિમંત્રણ આપવા ગયેલા ત્યારે સવારે અગિયાર વાગે પણ તેઓ ઊઠ્યા નહોતા. વ્યવસાયમાંથી નિવૃત્ત થયા પછી તો સવારના બાર વાગ્યે ઊઠવાનો એમનો રોજનો કાર્યક્રમ થઈ ગયો હતો. એક વખત એક કાર્યક્રમ માટે સુરતમાં અમે સાથે હતા અને હોટેલમાં એમને ઉતારો આપવામાં આવ્યો હતો, પરંતુ મચ્છરના ત્રાસને લીધે મને બિલકુલ ઊંઘ ન આવી. સવારે મેં તેમને પૂછ્યું, “રાત્રે મચ્છર કેવાક કરડ્યા?” એમણે કહ્યું, “મને કરડ્યા જ નથી, હું રાતના ઊંઘી જાઉં તો કરડેને ? સવારે ચાર-પાંચ વાગ્યા સુધી મને ઊંઘ આવતી જ નથી. હું છ વાગે ઊંઘી ગયો ત્યારે મચ્છરોનો જવાનો યઈમ થઈ ગયો હતો.”
રાત્રે અનિદ્રાની ટેવ પછી તો એમને વ્યાધિ જેવી થઈ ગઈ હતી. એક વખત મેં એમને પૂછયું કે “આખી રાતે તમે શું કરો ?” તો કહે, “બેઠો બેઠો કે સૂતો સૂતો વાંચ્યા કરું. વાંચવાનું ન હોય તો ચેન ન પડે. જે હાથમાં આવે તે વાંચું, પણ શિકારકથાઓ હોય તો મને વધારે મઝા પડે.”
જ્યોતીન્દ્ર દવે ૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org