________________
પ્રગટ કર્યા. પરંતુ એમાં જેટલું લખાયું તેટલું જ તેમને કહેવાનું હતું એમ ન કહી શકાય. તે પછીના છેલ્લા પાંચ-સાત દિવસમાં એમને જે અનુભૂતિ થયા કરી તેને તેઓ શબ્દમાં વ્યક્ત ન કરી શક્યા, પરંતુ તેઓ જો કંઈ લખાવી શક્યા હોત તો એક વિશેષ અનુભૂતિનો પ્રકાશ આપણને સાંપડ્યો હોત.
મૃત્યુના સંદર્ભમાં પ્રજ્ઞાશીલ મનુષ્યની જીવનદષ્ટિ ઉત્તરોત્તર કેવી પરિમાપ્તિ થતી જાય છે તેનું નિદર્શન ચીમનભાઈનો અંતકાળ બની રહે છે.
ચીમનભાઈનું જીવન મારા જેવા અનેકને માટે પ્રેરણાસ્ત્રોત સમાન રહ્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં એમના અત્યંત નિકટના સંપર્કમાં આવવાનું બન્યું. એમના નિર્મળ, વાત્સલ્યપૂર્ણ અંતરંગ જીવનનો પરિચય થયો. તેઓ હંમેશાં કાર્યરત, સ્વસ્થ અને પ્રસન્ન રહેતા. અનાસક્ત ભાવે તેઓ ઘણી સંસ્થાઓ દ્વારા ઘણી પ્રવૃત્તિઓ કરતા. એમનો પ્રભાવ એવો મોટો હતો કે એમના કહેવા-માત્રથી કેટલાય લોકો વિવિધ પ્રવૃત્તિઓ માટે પુષ્કળ દાન આપતા. લોકોનો એમના ઉપર અપાર વિશ્વાસ અને પ્રેમ હતો.
ચીમનભાઈ દૃષ્ટિસંપન્ન મહાપુરુષ હતા. એમની વિચારણા હંમેશાં વિશદ અને તર્કપૂત રહેતી. તેઓ સંયમી અને મિતભાષી હતા. વિવિધ પ્રવૃત્તિઓ અંગે ઘણી
વ્યક્તિઓને ઘણી બાબતોમાં સૂચના કે માર્ગદર્શન તેઓ આપતા. તેઓ ત્વરિત નિર્ણય લેતા અને વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિને એટલી ઝડપથી સમજી લેતા કે સામાન્ય રીતે એમનો નિર્ણય ક્યારેય ખોટો ઠરતો નહિ.
ચીમનભાઈ જેમ ઉત્તમ વક્તા હતા તેમ ઉત્તમ લેખક પણ હતા. ઉંમર થતાં, સ્મરણશક્તિ શિથિલ થતાં કે અન્ય પ્રકૃતિગત ક્ષતિઓ ઉદ્દભવતાં કેટલાય સારા વક્તાઓ મોટી ઉંમરે નિરર્થક લાંબું અને અપ્રસ્તુત બોલતા થઈ જાય છે. ચીમનભાઈ ૮૧ વર્ષની ઉંમરે પણ સમયાનુસાર પોતાના વિચારો ક્રમબદ્ધ, તર્કસંગત, અભિનવ મૌલિક દૃષ્ટિથી સચોટ રીતે અસ્મલિત વાણીમાં વ્યક્ત કરતા. એમનાં લખાણોની શૈલી પણ સરળ, નિરાડંબર, પારદર્શક હતી. કેટલીક વાર ગાંધીજીની શૈલીની યાદ અપાવે એવી તે રહેતી. શિક્ષણ હોય કે રાજકારણ, ધર્મ હોય કે સામાજિક બાબત - એ દરેક વિશે એમનું મૌલિક ચિંતન પ્રેરક બને માર્ગદર્શક બની રહેતું.
ગાંધીજીએ કહ્યું હતું કે “મારું જીવન એ મારો સંદેશો છે." મહાપુરુષોનાં જીવન વર્ષો સુધી અનેકને માટે પ્રેરણારૂપ બની રહે છે. સ્વ. ચીમનભાઈના જીવનકાર્ય અને સગુણોનો જ્યારે વિચાર કરીએ ત્યારે આપણને તેમાંથી કંઈ નવી જ પ્રેરણા સાંપડી રહે છે. એમનું સમગ્ર જીવન પ્રેરણાસ્ત્રોત સમું હતું.
("વંદનીય હૃદયસ્પર્શમાંથી)
૧૨૬ ચરિત્રદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org