________________
જૈન ધર્મની માન્યતા પ્રમાણે આ વિશ્વમાં વિવિધ પ્રકારનાં પુદ્ગલપરમાણુઓની સતત હેરફેર ચાલ્યા કરે છે. એમાંનાં એક પ્રકારનાં પુગલપરમાણુઓને કાર્મણ વર્ગણાનાં પુદ્ગલ-પરમાણુઓ તરીકે ઓળખવામાં આવે છે. જીવાત્માઓ પ્રતિક્ષણ, જાગતાં કે ઊંઘમાં, મન, વચન અને કાયાના યોગ અને અધ્યવસાયથી જે જે શુભઅશુભ કર્મો કરે છે તે તે પ્રમાણે કાર્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓને પોતાના આત્મા પ્રતિ આકર્ષે છે. કર્મો ઉદયમાં આવી જ્યારે ભોગવાય છે ત્યારે આત્માને ચોટેલાં તે પુદ્ગલ-પરમાણુઓ ખરી પડે છે. આત્મા જ્યારે એક દેહ છોડી બીજો દેહ ધારણ કરે છે ત્યારે બાકીનાં પુદ્ગલ-પરમાણુઓને સાથે લઈ જાય છે. આમ, નવાં કમ બંધાવાની અને જૂનાં કર્મોનો ક્ષય થવાની પ્રક્રિયા નિરંતર જન્મજન્માંતર ચાલ્યા જ કરે છે અને સંપૂર્ણ કર્મક્ષય થાય છે ત્યારે આત્મા મુક્તિ પામે છે. મોક્ષપ્રાપ્તિ પછી આત્માને ફરી દેહ ધારણ કરવાનો રહેતો નથી.
કર્મ આઠ પ્રકારનાં છે : (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) ગોત્ર, (૮) અંતરાય. આમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મ તરીકે ઓળખાય છે, કારણ કે એ કર્મો આત્માનો વિશેષપણે ઘાત કરે છે. વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર અઘાતી કર્મ છે. ઘાતી કર્મો અશુભ અને ભારે હોય છે. અઘાતી કર્મ શુભ અને અશુભ બંને પ્રકારનાં હોય છે. જે કર્મ જ્ઞાનનું આવરણ કરે છે તે જ્ઞાનાવરણીય કર્મ. વસ્તુનો ઈદ્રિયો અને મન દ્વારા સામાન્ય બોધ થવો તે દર્શન. જે દર્શનનું આવરણ કરે તે દર્શનાવરણીય કર્મ. જે કર્મ આત્માને સુખદુખનો અનુભવ કરાવે તે વેદનીય કર્મ. જે કર્મ જીવને મોહગ્રસ્ત બનાવી એની વિવેકબુદ્ધિને ભ્રષ્ટ કરે તે મોહનીય કર્મ. જે કર્મને કારણે આત્માને અમુક સમયમર્યાદા સુધી એક શરીરમાં રહેવું પડે તે આયુષ્ય કર્મ જે કર્મને લીધે આત્માને સારું કે ખરાબ શરીર, રૂપ, રંગ, આકૃતિ, સ્વર, યશ, અપયશ, ઈત્યાદિ પ્રાપ્ત થાય છે તે નામ કર્મ. જે કર્મને કારણે જીવને ઉચ્ચ કે નીચ કુળ કે ગોત્ર પ્રાપ્ત થાય છે તે ગોત્ર કર્મ. જે કર્મને લીધે ભોગ-ઉપભોગમાં કે આત્માની અન્ય લબ્ધિ કે શક્તિમાં વિઘ્ન આવે છે તે અંતરાય કર્મ. આ દરેક કર્મના પેટા પ્રકારો અને તેના સ્વરૂપની ખૂબ ઝીણવટભરી વિચારણા જૈન શાસ્ત્રોમાં કરવામાં આવી છે.
બીજમાંથી ઘાસ, છોડ કે વૃક્ષ થતાં જુદી જુદી વનસ્પતિને જેમ જુદો જુદો સમય લાગે છે તેમ જુદાં જુદાં કર્મોને ઉદયમાં આવતાં બંધ અનુસાર જુદો જુદો સમય લાગે છે. જેમ એક બીજમાંથી એક કરતાં વધારે દાણા થાય છે તે બાંધેલું શુભ કે અશુભ કર્મ વિપાકે ઘણુંબધું ભોગવવાનું આવે છે.
૬ ક જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org