________________
શુભ કર્મથી પુણ્યોપાર્જન થાય છે અને અશુભ કર્મથી પાપ બંધાય છે. પુણ્યના ઉદયે ઐહિક સુખ મળે છે અને પાપના ઉદયે દુખ અનુભવાય છે. પુણ્ય કે પાપના ઉદયે. સુખ કે દુખ અનુભવતાં ફરી પાછાં કર્મો બંધાય છે જે શુભ કે અશુભ હોય છે અને જે વડે ફરી પુણ્ય કે પાપ બંધાય છે. આ રીતે પુણ્યાનુબંધી પુણ્ય. પુણ્યાનુબંધી પાપ, પાપાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પાપ એમ ચાર પ્રકારે કર્મબંધની પ્રક્રિયા ચાલ્યા કરે છે. કર્મ બાંધતી વખતે તેમાં જીવ કેટલો રસ લે છે, કેટલો આવેગ ધરાવે છે, તે વખતે એના મનના અધ્યવસાયો કેવા છે એના ઉપર એ કર્મ હળવું બંધાય છે કે ભારે તેનો આધાર રહે છે. તપ, સંયમ અને શુભ ભાવથી પૂર્વે બાંધેલા ભારે કર્મનો ક્ષય કરી શકાય છે અથવા તેને ઉપશાંત કરી શકાય છે. કેટલાંક કર્મો એવાં ચીકણાં બંધાતાં હોય છે કે જે ઉદયમાં આવતાં ભોગવ્યા વિના છૂટકો જ થતો નથી. એવાં કર્મોને નિકાચિત કર્મ કહેવામાં આવે છે. કર્મ બાંધતી વખતે આત્મા સ્વતંત્ર છે, પરંતુ ભોગવતી વખતે પરાધીન બને છે. એટલા માટે જૈન કર્મસિદ્ધાંત તે પ્રારબ્ધવાદ નથી, પરંતુ પુરુષાર્થવાદ છે. સતત જાગ્રત ઉચ્ચતમ આત્મા જ પ્રબળ પુરુષાર્થથી ઓછામાં ઓછાં કર્મો બાંધે છે. બાંધેલાં કર્મોનો તપ, સંયમ, શુભભાવ વગેરે વડે ક્ષય કરે છે અથવા એને હળવાં બનાવી ભોગવી લે છે અને મોક્ષમાર્ગ તરફ વેગથી ગતિ કરે છે.
મોક્ષમાર્ગ
મોક્ષમાર્ગનો પાયો છે સમ્યક્ત્વ. સમ્યક્ત્વ (સમક્તિ) પારિભાષિક શબ્દ છે અને તેનો અર્થ, તેનું સ્વરૂપ ઇત્યાદિ જૈન શાસ્ત્રોમાં વિસ્તારથી સમજાવવામાં આવ્યાં છે. સમ્યક્ત્વનો સાદો અર્થ છે સારાપણું, સાચાપણું, સમ્યક્ત્વ એટલે આત્માની સુંદરતા. મોક્ષરૂપી વૃક્ષનું મૂળ તે સમ્યક્ત્વ. મોક્ષપ્રાપ્તિ માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ રત્નત્રયની પ્રાપ્તિ અનિવાર્ય છે. અનંત સમયથી સંસારમાં દિશાશૂન્ય પરિભ્રમણ કરનાર જીવાત્માને આ ત્રણ રત્નની પ્રાપ્તિ થતાં મોક્ષમાર્ગની દિશા પ્રાપ્ત થાય છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ આત્માના જ મૂળ ગુણો છે અને એ ગુણોનો ઉત્કૃષ્ટ વિકાસ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ ગુણો પરસ્પર સંબદ્ધ છે અને એમાંથી કોઈ પણ એકનો વિકાસ અધૂરો હોય ત્યાં સુધી આધ્યાત્મિક સાધના પરિપૂર્ણ થતી નથી. સમ્યગ્દર્શન વિના સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી; સમ્યાન વિના સમ્યારિત્રની પ્રાપ્તિ થતી નથી; સમ્યક્ચારિત્ર વિના સકલ કર્મનો નાશ થઈ શકતો નથી અને સકલ કર્મોનો નાશ કર્યા વિના મોક્ષની-પરમપદની પ્રાપ્તિ થઈ શકતી નથી.
જૈન ધર્મ ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org