________________
૨૦
અન્યોન્ય સાચી ક્ષમાપના
દૃષ્ટાંત : વિનય ગુણમાં અનંત માહાત્મ્ય છે જેમાં ક્ષમા સમાહિત છે.
::
ભગવાન શ્રી મહાવીરના શાસનમાં ચતુર્વિધ સંઘની રચના થઈ તેમાં ચંદનબાળા પ્રથમ સાધ્વીજી હતાં. કૌશામ્બી નગરીમાં ભગવાન બિરાજમાન હતા. તેમને વંદન કરવા સૂર્ય અને ચંદ્ર નામના ઇંદ્રો પોતાના અસલ વિમાન સાથે ત્યાં આવેલા. તેના પ્રકાશમાં ચંદનબાળાની શિષ્યા સાધ્વી મૃગાવતીજી સૂર્યાસ્તને જાણી શક્યાં નહિ અને પ્રભુની નિશ્રામાં બેસી રહ્યાં. સૂર્ય તથા ચંદ્ર જ્યારે ચાલી ગયા ત્યારે મૃગાવતીજીને રાત્રિનો ખ્યાલ આવ્યો. તેઓએ જોયું કે અન્ય સાધ્વીજી તથા ગુરુણીજી પણ ઉપાશ્રયે પહોંચી ગયાં હતાં. તેથી ખેદસહિત ઉપાશ્રયે પહોંચી ગયાં અને ગુરુણીજી પાસે ક્ષમા માગી. ચંદનબાળા ગુરુણીજીએ કહ્યું, ‘હે ભદ્રે ! કુલીન સાધ્વીજીને રાત્રિએ બહાર રહેવું શોભતું નથી.' મૃગાવતીજી વિનયવાન, સરળ અને ગુણગ્રાહી હતાં. તેમણે પોતાનો કંઈ બચાવ ન કર્યો. જોકે પોતાની અપરાધની ભાવના પણ ન હતી. તે મહાસતીજીએ ક્ષમા માગી. પુનઃ તેવી ભૂલ નહિ કરું તેમ જણાવીને તેમણે ચંદનબાળાના ચરણમાં માથું નમાવી પુનઃ ક્ષમા માગી. તે સમયે ચંદનબાળા નિદ્રાવશ થયાં હોવાથી તેમણે કંઈ પ્રત્યુત્તર ન વાળ્યો. આથી મૃગાવતીજી વિશેષ ખેદખિન્ન થયાં અને અત્યંત પ્રાયશ્ચિત્ત કરવા લાગ્યાં. તેવી ક્ષમાપનાના યોગે તેઓના પરિણામની અત્યંત શુદ્ધિ થતાં તેમણે ક્ષપક શ્રેણી માંડી અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
ત્યાર પછી તેમના જ્ઞાન-ઉપયોગમાં આવ્યું કે ચંદનબાળાની નજીક એક સર્પ આવી રહ્યો છે. તેથી તેમણે તેમનો હાથ ખસેડી લીધો. ગુરુણીજીએ જાગ્રત થઈને પૂછ્યું કે હાથ કેમ ખસેડ્યો હતો ? મૃગાવતીજીએ ખુલાસો જણાવ્યો ત્યારે તેમણે પૂછ્યું કે અંધકારમાં તમને સર્પ કેવી રીતે દેખાયો ?
મૃગાવતીજી : આપની કૃપાથી, જ્ઞાન વડે.
ચંદનબાળાજી આ ઉત્તરથી વાસ્તવિકતા સમજી ગયાં. તેમણે તરત જ મૃગાવતીજીની ક્ષમાપના માગી અને પોતાના અવિનય બદલ પ્રાયશ્ચિત્ત કરતાં ક્ષપક શ્રેણી દ્વારા કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી. જોકે જન્મોજન્મની સાધના અને આ કાળમાં કરેલી પરિણામની શુદ્ધિનું આવું પરિણામ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org