________________
છતાં ખૂબ પ્રસન્નતાનો અનુભવ થતો.
પૂરા નવ દિવસ બદ્રીનાથજી રહ્યાં પછી અમે કેદારનાથ જવા નીકળ્યાં. આ સ્થળ લગભગ ૧૩૦૦૦ ફીટ ઊંચાઈએ છે. ૨૨ માઈલ જેવું ચઢાણ છે. અહીં વાહનવ્યવહાર નથી. પહાડના પેટમાં પગપાળા માર્ગ કરેલો છે. પૂ. દીદીએ પૂરી યાત્રા પગપાળા કરી. કલ્યાણભાઈ લગભગ પગપાળા ચઢ્યા. અમે ત્રણ ડોળીમાં હતાં. અર્ધા પહાડ ચડ્યા પછી તો પહાડમાંથી હાથે જ બરફ લઈ શકાય તેમ જાણે (બરફના પહાડ) હિમગિરિના સાક્ષાત નજીકથી દર્શન થતાં હતાં. થોડું ચાલીએ... વળી વચમાં વિરામસ્થાનોમાં રોકાઈએ. જરૂરી સામાન સાથે માણસોનો કાફલો પણ હતો. ગાડી અને વધારાનો સામાન નીચેના ગામે મૂકી દીધાં હતાં.
શ્રી કેદારનાથ પહોંચ્યાં ત્યારે સાંજ ઢળવા આવી હતી. ઠંડી તો ધ્રુજાવે તેવી હતી. ઘણાં તો સાંજે દર્શન કરી પાછાં ફરી વચ્ચેના વિરામસ્થાનમાં જતાં રહેતાં. અમે તો ત્રણ દિવસ રહેવાનાં હતાં. અહીં નાની નાની ચોખ્ખી બ્રાહ્મણો સંચાલિત વીશીઓ હતી. ગરમ પરોઠા અને આલુનું શાક મળતાં. અમે એવી એક વીશીમાં જમ્યાં. પૂ. દીદીને કારણે ઉતારાના બે ઓરડા અમને મળ્યા હતા. ગરમી માટે સગડી-નાની ભઠ્ઠી જેવું પણ હતું. રાત્રે સગડી પાસે બેસીને સત્સંગ કર્યો. વળી ગરમ પાણીની કોથળીઓ ભરી પથારીમાં પડ્યા.
- આ જીવને બે મણની તળાઈ મળે, બે ઓઢવાનાં ગાદલાં મળે. ગરમ કપડાં હોય પણ નિદ્રાદેવી લાડકાં; જલ્દી માને નહિ. સૌની પ્રથમ નિદ્રા પૂરી થાય ત્યારે થોડી નવરાશ લઈ નિદ્રા આવે. વળી આ ક્ષેત્રોમાં તો ચાર વાગ્યા પછી તરત જ સવાર શરૂ થાય.એટલે સારું લાગે પણ ઠંડીને કારણે પથારી છોડવી ન ગમે. અમે કંઈ હિલ-સ્ટેશન સમજીને ગયાં ન હતાં. એટલે સમયસર ધ્યાન વિગેરે ક્રમ શરૂ થાય.
લગભગ ત્રીજે દિવસે સારો તડકો હતો. કપડાં જરૂરી જ લાવ્યાં હતાં. એટલે મને એમ કે એક ચણિયો ધોઈ લઉં. પાણી તો ગજબનું ઠંડું. પાણીમાં કપડાં બોળીને પછી તારવવા માટે હાથ કામ ન કરે. તે એવા ઠરી ગયા કે આંગળાં તો વાદળી થઈ ગયાં. માંડ માંડ કપડાં તારવીને તડકે નાખી, સ્વયં તડકે જ બેસી રહી. આંગળાંમાં કંઈ કૌવત આવ્યું ત્યારે બીજું કામ થઈ શકયું. તોપણ એકંદરે ત્રણ દિવસ અમારે માટે આરાધનાના હતા. એટલે આનંદ આવ્યો.
વિભાગ-૮
૨૦૪
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org