________________
સ્વપ્ન દષ્ટ વિનષ્ટ હો પણ જીવનો નહિ નાશ; જાગૃતિમાં પણ તેમ છે, ભ્રમ ઉભયત્ર સમાન. ૧૦૧
અર્થ : સ્વપ્નદશામાં પ્રત્યક્ષ જોવામાં આવેલા દેહાદિકનો નાશ જોયો હોય છતાં આત્માનો નાશ થતો નથી, તેમ જાગ્રતાવસ્થામાં દેખાતા દેહાદિકનો નાશ થતા આત્માનો નાશ થતો નથી. બંને અવસ્થામાં જે જે વિપર્યાસ જણાય છે તે ભ્રમ છે.
વિચારવાન જ્યારે વાસ્તવિકપણે વિચારે છે ત્યારે તેને સમજાય છે કે મનુષ્યનું બંધ આંખે જોયેલું સ્વપ્ન ગમે તેવું સુખદ હોય કે દુઃખદ હોય પણ તે આંખ ખૂલતાં સમાપ્ત થાય છે. સ્વપ્નમાં આરોગેલો ભોજનનો થાળ આંખ ખૂલતાં સમાપ્ત થાય છે અને ઉદરની સુધા તો જેવી હતી તેવી રહે છે, અથવા સ્વપ્નમાં કોઈ સ્વજનનું અવસાન જોઈ રડી ઊઠ્યો હતો, પણ આંખ ખૂલતાં મજાનો હસતો ઊઠે છે. આમ સ્વપ્નની દુનિયા આંખ ખૂલતાં સમાપ્ત થાય છે.
એ પ્રમાણે આ જન્મથી આયુષ્ય સુધીની જિંદગી આંખ બંધ થતાં સમાપ્ત થાય છે. આ જન્મમાં ઘણા પરિશ્રમથી મેળવેલા સુખનાં સાધનો આંખ બંધ થતાં આ દુનિયા સમાપ્ત થાય છે. અને એ સુખનાં સાધનો અહીં જ પડી રહે છે. અથવા આ જન્મના વિયોગના શોક વડે ભોગવેલાં દુઃખો આ જન્મ સમાપ્ત થતાં એ હર્ષ-શોક વગેરે અહીં છૂટી જાય છે.
આમ પ્રાણીમાત્રની જિંદગી સ્વપ્નવત્ મનાઈ છે. બંધ આંખે જોયેલું સ્વપ્ન આંખ ખૂલતાં સમાપ્ત અને ખુલ્લી આંખે જોયેલું જીવંત સ્વપ્ન આંખ બંધ થતાં સમાપ્ત થાય છે. સ્વપ્નમાં કે જાગતાં જે કંઈ સુખદુઃખ અનુભવાય છે તે ભ્રમ છે. સ્વપ્નમાં માનવને જોવામાં આવે કે અહો, પોતે મરણ પામ્યો છે, તેની નનામી નીકળી છે. પત્ની કલ્પાંત કરે છે. બાળકો ધ્રુસકાં લે છે. મોટો માણસ છે માટે મોટી સ્મશાનયાત્રા નીકળી છે. પ્રિય એવી કાયા કાષ્ટમાં જલી રહી છે, આ સર્વ જોઈ એવો ભય વ્યાપી જાય છે કે જાણે પોતે મૃત્યુ પામ્યો. પરંતુ જ્યાં આંખ ખૂલે ત્યાં તે અનુભવે છે કે તે પોતે જીવતો છે. અર્થાત્ સ્વપ્નમાં જોયેલું મૃત્યુ એ નર્યો ભ્રમ જ હતો.
૨૫૮
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org