________________
સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૧૦૩ ધર્મલાભ' કહી ઊભેલા મુનિના ચરણમાં પડી પ્રણામ કર્યા. મુનિના મુખ પર સંયમશીલનું તેજ હતું. ચિત્ત પૂર્ણ સ્વસ્થ હતું. પણ કોશા અત્યંત ઉમંગમાં અને પ્રેમના આવેગમાં હતી.
મુનિનો ધર્મ હતો પ્રવેશની સંમતિ જોઈએ. મુનિને સ્થિર ઊભેલા જોઈ કોશા હાથ જોડીને બોલી: “પધારો.”
પધારો કહેતાંની સાથે કોશા ભદ્રને ભેટવા આવેગમાં આગળ વધી, સ્થૂલિભદ્ર હાથ ઊંચો કરી ત્યાં જ અટકાવીને બોલ્યા.
“કોશા ચાતુર્માસની સ્થિરતા માટે આવ્યો છું. ચિત્રશાળામાં જગા મળશે ?”
કોશા આ સાંભળી ક્ષોભ પામી ગઈ. “અરે મારા નાથ આ તન, મન, ધન, પરિજન, ચિત્રશાળા આપનાં જ છે. તમારે પૂછવાનું હોય? આવો પધારો.”
“કોશા મારે ફક્ત ચિત્રશાળામાં થોડી જગા જોઈએ” એમ કહી સ્થૂલિભદ્ર ચિત્રશાળા તરફ વળ્યા. સ્થળ તો જાણીતું હતું. મુનિ થઈને આવ્યા હતા ને ! કોશાએ દોર્યા તેમ તેમની પાછળ જઈ ચિત્રશાળાના એક ખૂણામાં પોતાનું આસન પાથરી સ્થાન લીધું અને પોતાની પ્રમાર્જના વગેરેની ક્રિયામાં લાગી ગયા.
કોશાના શુષ્ક જીવનમાં આજે પ્રાણ પુરાયા હતા. ચિત્રશાળામાં આજે આત્મા સંચર્યો હતો. અરે! ભદ્ર કેવો કૃશકાય થઈને વનવગડાનાં દુઃખ વેઠીને આવ્યો છે ? પોતે જાતે ભોજનગૃહમાં ગઈ. ભદ્રને ભાવતાં ભોજન બનાવવામાં એકતાર બની ગઈ, મનમાં ગુંજન હતું. ભદ્રને આ ભાવશે, આ ગમશે.
પૂર્ણ રસવતી આહાર સામગ્રી તૈયાર કરી નવા શૃંગાર ધારણ કરી, સમય થતાં સોનારૂપાના પાત્રોમાં ષડુરસ ભોજનની સામગ્રી સાથે તે સ્થૂલિભદ્ર સમક્ષ હાજર થઈ. ભોજનની સોડમથી વાતાવરણ મહેકી ઊઠ્યું.
મુનિરાજે પોતાના ગણતરીનાં પાત્રોમાં ભિક્ષા ગ્રહણ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org