________________
૦ જીવોને જગત કેવું ભાસે છે? ૦
૦ કાળાં ચશ્માં પહેરીને જુએ તેને કાળું દેખાય. ૦ લીલાં ચશ્માં પહેરીને જુએ તેને લીલું દેખાય. ૦ પીળિયો થયો હોય તો તેને પીળું દેખાય. ૦ મોતીયા આવે તો બે દેખાય. અર્થાત દૃષ્ટિ તેવી સૃષ્ટિ
જગત જેવું છે તેવું જોવાનું આપણને આવડતું નથી કે પરવડતું નથી પણ આપણી જેવી દૃષ્ટિ છે તેવું જગત આપણને જણાય છે. અને આપણી ભૂમિકા, દૃષ્ટિ નિરંતર કૂદકા મારે છે, બદલાય છે. એટલે જગતને જાણવાની પદ્ધતિ પણ બદલાઈ જાય છે.
આપણને કોઈ વ્યક્તિ ગુણવાન દેખાય છે. કોઈ વ્યક્તિ દોષિત દેખાય છે. તેનો અર્થ એ નથી તે વ્યક્તિ તે પ્રમાણે છે. પણ આપણને આપણી દૃષ્ટિ પ્રમાણે તેવું દેખાય છે. તેવી રીતે અન્યનો આપણા વિષેનો અભિપ્રાય તેની જેવી દષ્ટિ હોય છે તેવો આપે છે. લગભગ પૂરો જનસમૂહ આ પદ્ધતિને અનુસરે છે. આથી લોક અભિપ્રાયે ચાલવું તે હિતાવહ નથી, પરંતુ જ્ઞાનીના અભિપ્રાયે શાસ્ત્રના બોધ પ્રમાણે ચાલવું તે હિતાવહ છે. લોકસંજ્ઞાને અનુસરવું તેને બદલે લોકનાનાથના બોધને અનુસરવું તેમાં શાંતિ અને સમાધાન છે. સાધુ સંતોના જ્ઞાનનો આદર કરી તે પ્રમાણે જીવન દૃષ્ટિ ઘડવી. જેથી વૈષમ્ય ઘટે છે. સામ્યભાવ સુલભ બને છે અને રાગદ્વેષ વિલીન થાય છે.
વસ્તુ એક જ છતાં માનવની ભૂમિકા પ્રમાણે તે વસ્તુનું દર્શન કરે છે.
દાગીના ઘડતા સોનીનું મન સોનાના મૂલ્યમાં છે. ગ્રાહકનું મન સોનામાંથી ઘડાતા ઘાટમાં છે.
જગતના પદાર્થો જોવામાં ભોગીનું મન ભોગવૃત્તિ પ્રત્યે આકર્ષાય છે. ત્યાગી તે પદાર્થોના ભોગના પરિણામને જાણીને ત્યાગ કરે છે. યોગી તે જ પદાર્થોની ક્ષણભંગુરતા જોઈ વૈરાગ્ય પામે છે.
માર્ગમાં અકસ્માત વડે મૃત્યુ પામેલી કોઈ સુંદર સ્ત્રીનું શરીર પડ્યું છે. ત્યાંથી કોઈ ભોગી નીકળે છે તે એ શબમાં સૌંદર્ય જોઈ વિચારે છે કે આ સ્ત્રી જીવીત હોત તો ભોગને યોગ્ય હતી.
ત્યાંથી કોઈ ત્યાગી નીકળે છે તે વિચારે છે કે અહો ! શરીર આવું ક્ષણભંગુર છે. એક વાહનના અકસ્માતથી મરણને શરણ બન્યું છે.
માનવજીવન ઉત્તમ છે # ૧૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org