________________
ક્રોધાદિ કષાયોથી તપ્ત જીવ ક્યારેય શાંતિ પામતો નથી. જેમ અતિ ગરમ પાત્રમાં પ્રથમના જળકણો શોષાઈ જાય છે. તેમ જીવ અનાદિથી ક્રોધાદિ કષાયોમાં તપ્ત થયેલો છે. તેમાં કેટલાય ઉપદેશો, અનુષ્ઠાનો, દાન, તપ વગેરે શોષાઈ જાય છે. છતાં પણ જો તે કષાયોની જગાએ ક્ષમાને ધારણ કરે પુનઃ પુનઃ સંતોનો સમાગમ સેવે તો એ પાપોથી મુક્ત થાય. કષાયો એ પાપોના રખેવાળ છે. તને પાપમાં જ પૂરેલો રાખે છે. છતાં તું જાણે રક્ષિત હોય તેમ ઊંઘતો જ રહેશે. રાગ અને દ્વેષનું યુગલ તો જીવને ભૂતની જેમ વળગ્યું છે. તે ધુણાવે તેમ જીવ ધૂણે છે. નિરંતર અશુભ યોગ પ્રવૃત્તિ પ્રેરે છે. અને પાપથંકમાં જીવને ખૂપાવી દે છે.
કલહ-કજિયા, પરદોષારોપ, નિંદા જેવા દોષો જીવને કંઈ લાભદાયી નથી. પણ અજ્ઞાનતાથી અને પૂર્વના પાપસંસ્કારોથી ઘેરાયેલો તે કજિયા કરવામાં શૂરો હોય છે અને પોતે ગુણવાન છે તેમ માની અન્યના દોષ જોવામાંથી પાછો પડતો નથી. નિંદાનો રસ તો તેને શેરડી કરતાં પણ મધુર લાગે છે. કહો, પાપ જ પાપ ન લાગે તો તેનાથી છૂટે કેવી રીતે ?
ભૌતિક પદાર્થોની પ્રાપ્તિમાં, ગમતા વિષયોમાં હર્ષ-રતિ કરે છે, તેના અભાવમાં શોક-અરતિના સાગરમાં ડૂબી જાય છે. ભાઈ ! તારી ચેતના આવી અધમ નથી. પરંતુ રતિ-અરતિ, હર્ષ-શોકના વાવાઝોડામાં તું તણાઈ જાય છે. અને અચેતન પદાર્થોના સંપર્કમાં પાપવૃત્તિને સેવે છે.
આખરે આવા પાપપંકમાં ખૂંપીને તું માયા-કપટ સહિત જૂઠાણાને પનારે પડે છે. તું તારી જાતને બચાવી શકતો નથી. અને માયાચાર, દુરાચાર જેવાં દૂષણોથી ઘેરાયેલો તું માનવજન્મ હારી જાય છે.
આ સર્વ દોષો છતાં તું નિશ્ચિત રહે છે, તેવી તારી વિપરીત બુદ્ધિ, મિથ્યામોહ છે. જેને કારણે તને તારું જ હિત જણાતું નથી. પાપની આ લીલાનો કોઈ પાર નથી. તું ત્રણ સાંધે અને તેર તૂટે તેવી તારી દશામાંથી તને ધર્મ જ એક તરણોપાય છે. તારા કોઈ
પુણ્યયોગે તું તે દિશામાં તારું વલણ જવા દે તો આ પાપના પોટલા કે તારે શિરેથી દૂર થશે.
“પરવશ દીનતા કીની, પાપકી પોટ શિર લીની નરક દુઃખ વેદના ભારી, નીકળવા ના રહી બારી.”
૧૩૬ ૪ શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org