________________
૪૪
વંદનીય હૃદયસ્પર્શ છાપામાં છપાય તો નારાજ થાય. પોતાનો ફોટો ન લેવાય અને ન છપાય એ માટે અગાઉથી સહજ રીતે ક્યારેક તેઓ કાર્યક્રમના આયોજકોને સૂચના પણ આપતાં.
મેડમ વાડિયાના ઘરે એમના નોકરો પણ સૌની સાથે પ્રેમથી વર્તે. કુટુંબના જાણે સભ્ય હોય એવો સભાવ મેડમ એમના પ્રત્યે રાખે. પોતે એકલાં હતાં. એમના પતિ સુપ્રસિદ્ધ થિઓસોફિસ્ટ શ્રી વાડિયાનું વર્ષો પહેલાં અવસાન થયું. ત્યાર પછી મેડમ એકલાં રહેતાં હતાં. પરંતુ નોકરોને પોતાના સ્વજનની જેમ સાચવતાં. એક બહુ જૂના નોકરનું જ્યારે અવસાન થયું હતું ત્યારે એક સ્વજન ગુમાવ્યા જેટલું દુઃખ તેમણે અનુભવ્યું હતું.
છેલ્લા કેટલાક મહિનાથી મેડમને મળવાનું મારે થયું ન હતું. એમને મળવાનો વિચાર કરતો અને કંઈક કારણ આવી પડતું અથવા ગયો હોઉં ત્યારે મેડમ ઑફિસમાં હોય નહિ. ત્યાર પછી એક વખત જયારે હું શ્રી ઉમાશંકર જોશી સાથે પ્રવાસમાં હતો ત્યારે પી.ઈ.એન.ની નબળી આર્થિક સ્થિતિની વાત નીકળી અને આંતરરાષ્ટ્રીય હેડક્વાર્ટર્સમાં ચૂકવવાની બાકી રહેલી મોટી રકમની પણ વાત થઈ. ઉમાશંકરભાઈ પી.ઈ.એન. ના ઉપપ્રમુખ હતા. એમણે એ રકમ અંગે શું કરી શકાય તેનો વિચારવિનિમય કરવા માટે મેડમને મળવાની મને ભલામણ કરી હતી. પરંતુ હું તેમને મળે તે પહેલાં તો મેડમ વિદાય થયાં. ચોર્યાસી વર્ષની વયે મુંબઈમાં તેમનું અવસાન થયું. મેડમને મળવાની ઇચ્છા મનમાં જ રહી ગઈ.
મેડમ સોફિયા વાડિયા બહુ લોકસંપર્કમાં આવતાં નહોતાં. સાચા જિજ્ઞાસુ, થિઓસોફિસ્ટ કે લેખકોને તો તેઓ જરૂર મળતાં, પરંતુ સદા અનાસક્ત રહેતાં. એમના અવસાનથી મારા જેવા કેટલાએ વત્સલ માતાનો પ્રેમ ગુમાવ્યા જેવી લાગણી અનુભવી હશે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org