________________
૧ ૫૯
જયમલ્લ પરમાર વિવિધ પ્રવૃત્તિઓની માહિતી જયમલ્લભાઈ હંમેશાં મને આપતા. જયમલ્લભાઈ અને રતુભાઈ બંનેને લોકસાહિત્યમાં એટલો જ રસ, પરંતુ રતુભાઈ કરતાં જયમલ્લભાઈની લેખનપ્રવૃત્તિ વધુ રહેતી. રતુભાઈને સક્રિય રાજકારણમાં જેટલો રસ તેટલો જ રસ રચનાત્મક કાર્યક્રમોમાં રહ્યો છે. એમાં જયમલ્લભાઈનો સહયોગ પણ રહ્યો હતો. જયમલ્લભાઈ અને રતુભાઈ એટલા માટે પ્રવાસમાં ઘણીખરી વાર સાથે જ હોય. તેઓ બંનેએ ગુજરાત બહાર ભારતમાં પણ અનેક સ્થળે સાથે પરિભ્રમણ કર્યું હતું.
જયમલ્લભાઈએ જીવનનાં અંતિમ વર્ષોમાં કરેલું એક મહત્ત્વનું લેખનકાર્ય તે ગુજરાતના સંતો અને તેમનાં ધર્મસ્થાનકોનો પરિચય કરાવવાનું છે. જયમલભાઈ કેટલાંય ધર્મસ્થાનકોમાં જાતે રહેલા અને ત્યાંના વાતાવરણની સૂક્ષ્મ અનુભૂતિઓ ઝીલેલી. વળી તેઓ કેટલાય નામી-અનામી સંતોના પ્રત્યક્ષ સંપર્કમાં આવ્યા હતા અને તેમની પ્રેરણા મેળવી હતી. એટલે એમણે પોતાનાં અધ્યયન, અવલોકન અને સ્વાનુભવને આધારે “સેવાધરમનાં અમરધામ' નામની એક લેખમાળા “ફૂલછાબ'માં ૧૯૮૬માં ચાલુ કરેલી. લગભગ ત્રણ વર્ષ સુધી એ લેખમાળા નિયમિત ચાલી હતી. એ લેખમાળામાં એમને ભાઈ શ્રી રાજુલ દવેનો સારો સહયોગ સાંપડ્યો હતો. અત્યંત લોકપ્રિય થયેલી એ લેખમાળા દળદાર ગ્રંથરૂપે પ્રગટ થઈ હતી, જે આપણા સંતોના જીવનકાર્ય વિશેના સાહિત્યનો એક મહત્ત્વનો ગ્રંથ છે.
જયમલ્લભાઈ પોતાના પ્લોટના પોતાના રહેઠાણેથી કાલાવડ રોડ ઉપર પોતાના “નવરંગ' બંગલામાં રહેવા ગયા તે પછી તેમને જયારે જ્યારે હું મળવા જતો ત્યારે લેખનવાંચનની તેમની પ્રવૃત્તિની વાતો થતી. હવે તેમાં થોડી મંદતા આવી હતી. “ઊર્મિનવરચના' પણ બંધ કરવાનો વિચાર ચાલતો હતો. આંખે મોતિયો આવવાને કારણે તેઓ ઝાઝું વાંચી શકતા નહિ. સાંજે પાંચેક વાગે તડકો આથમવા આવ્યો હોય ત્યારે તેઓ વરંડામાં ખુરશી ઢાળીને બેસતા અને હાથમાં બિલોરી કાચ રાખીને વાંચતા. એમનું વાંચન ઓછું થયું હતું, પરંતુ તે માટેનો એમનો રસ ઓછો થયો ન હતો. છાપાં અને સામયિકો તેઓ નિયમિત વાંચતા અને સાહિત્ય, રાજકારણ વગેરે તત્કાલીન પ્રવાહોથી હંમેશાં પરિચિત રહેતા. પત્રકાર તરીકેનું એમનું જીવન આ રીતે અંતિમ સમય સુધી સતત તાજગીસભર રહ્યા કર્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org