________________
૧૪૫
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સંસ્કૃતિમાં લખ્યો હતો. ઉમાશંકરની એમાં અસહિષ્ણુતા સ્પષ્ટ જણાતી હતી. એ વખતે એ ચર્ચાને પોતાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવીને ઉમાશંકરને જવાબ આપવાને બદલે વિષ્ણુભાઈએ ઉદારતાપૂર્વક મૌન ધારણ કર્યું હતું. એમને કોઈ વિવાદ જગવવો નહોતો. પરંતુ પછી ઉમાશંકરને જ એમ લાગ્યું કે પોતે વિષ્ણુભાઈ પ્રત્યે કંઈક વધુ પડતો રોષ વ્યક્ત કર્યો છે. એટલે એક વખત પોતે
જ્યારે સૂરત ગયા હતા ત્યારે તેમણે વિષ્ણુભાઈ પાસે જઈને પોતાના રોષ માટે ક્ષમા માંગી હતી. વસ્તુતઃ વિષ્ણુભાઈની ગુજરાતી કવિતા માટેની ચેતવણી વધુ સાચી ઠરી હતી. ત્યારપછી વિષ્ણુભાઈ માટે ઉમાશંકરનો આદર વધતો રહ્યો હતો. ઉમાશંકરે એમને “સુરુચિના માપદંડ” તરીકે ઓળખાવ્યા હતા અને પોતાનો વિવેચનસંગ્રહ “નિરીક્ષા' વિષ્ણુભાઈને ભાવપૂર્વક અર્પણ કર્યો હતો.
ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં ભૌતિક દૃષ્ટિએ મેળવવા જેવી સિદ્ધિપ્રસિદ્ધિઓ પણ વિષ્ણુભાઈએ અનાયાસ પ્રાપ્ત કરી હતી. રણજિતરામ સુવર્ણચંદ્રક, નર્મદચંદ્રક, પ્રેમાનંદ સુવર્ણચંદ્રક, ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ, કેન્દ્રની સાહિત્ય અકાદમીની ફેલોશિપ, ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, રાજાજી લિટરરી એવૉર્ડ વગેરે ચંદ્રકો, પારિતોષિકો, પુરસ્કારો, ડિ. લિ.ની ડિગ્રી વગેરે એમણે પ્રાપ્ત કર્યા હતાં. એ ઉપરથી એમની સાહિત્યિક સિદ્ધિનો અને ગુજરાતી સાહિત્યમાં એમણે મેળવેલ માનભર્યા સ્થાનનો ખ્યાલ આવે છે.
વિષ્ણુભાઈને એમની તબિયતની પ્રતિકૂળતા પછી જે સન્માનો મળ્યાં તેમાંનાં કેટલાંક તો એમણે પોતાના ઘરમાં જ બેસીને સ્વીકાર્યા હતાં, કેટલાંક માટે એમના મકાનના કંપાઉન્ડમાં જ સમારંભ ગોઠવાયા હતા અને વિષ્ણુભાઈને ખુરશીમાં બેસાડી, ઊંચકીને બહાર લાવવામાં આવ્યા હતા અને કેટલાંક સન્માનો એમના ઘરની નજીક સભામંડપમાં કરવામાં આવ્યા હતા અને વિષ્ણુભાઈને ઊંચકીને મોટરમાં બેસાડીને લઈ જવામાં આવ્યા હતા. વિષ્ણુભાઈ માટે સાહિત્યકારોને, સાહિત્યિક સંસ્થાઓને, યુનિવર્સિટીઓને અને સરકારી ખાતાંઓને કેટલો બધો આદર હતો તે આવી ઘટનાઓ ઉપરથી પ્રતીત થાય છે.
વિષ્ણુભાઈને દુનિયાના તમામ ધર્મ પ્રત્યેનો પ્રેમાદરભાવ ઘણો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org