________________
૧૪૬
વંદનીય હૃદયસ્પર્શ દરેક ધર્મમાંથી ઉત્તમ તત્ત્વને તેઓ સ્વીકારતા અને પોતાના જીવનમાં ચરિતાર્થ કરવા પ્રયત્ન કરતા. તેમની એક ખાસિયત એ હતી કે હિન્દુ ધર્મ ઉપરાંત જૈનોના પર્યુષણ કે મહાવીર જયંતી, ખ્રિસ્તીઓના નાતાલના દિવસો, મુસલમાનોના ઈદ કે રમજાનના દિવસો કે શીખોના વૈશાખી વગેરે ધાર્મિક ઉત્સવો આવે ત્યારે તે તે દિવસે તેઓ તે તે ધર્મના ગ્રંથોનું સવિશેષ અધ્યયન કરતા. દુનિયાના કોઈ પણ ધર્મ પ્રત્યે અભાવ, દ્વેષ, તિરસ્કાર વગેરે પોતાનામાં ન આવે તે માટે તેઓ હંમેશાં સજાગ રહેતા. તેઓ મને જ્યારે પત્ર લખે ત્યારે ઘણી વાર “નમો અરિહંતાણં' પહેલાં લખીને પછી પત્ર શરૂ કરતા.
સૂરતમાં જ્યારે પણ વિષ્ણુભાઈને મળવા જઈએ ત્યારે તેઓ અવશ્ય ઘરે હોય જ. તેઓ છાપાંઓ, સામયિકો, નવા પ્રકાશિત ગ્રંથો વગેરે ઉપર બરાબર નજર ફેરવી જતા. એટલે જે કોઈ મળવા આવે તેની સાથે દરેક વિષયમાં સારી વાતચીત કરી શકતા. સમયનું તેમને કોઈ બંધન રહેતું નહિ. તેમણે ઉતાવળ બતાવી હોય એવું ક્યારેય લાગતું નહિ. જઈએ એટલે પ્રસન્નતા સહિત નિરાંત જ અનુભવાય. કૉફી પીવા માટે તેઓ આગ્રહ અવશ્ય કરે. તેઓ પોતે ચા નહિ પણ કૉફી નિયમિત પીતા અને આવનાર મહેમાન ચા કે કોફી પીને જાય તો તેમને વધારે ગમતું. પોતાની ટિપોય ઉપર તેઓ પોતે જે કંપનીના શેર લીધા હોય તેના જાડા કાગળ ઉપર છપાયેલા રિપોર્ટની નકલ સાચવી રાખતા. ચા-કૉફીના કપ આવે એટલે રિપોર્ટમાંથી કાગળ ફાડી કપ નીચે તેઓ જાતે મૂકે. રિપૉર્ટના રદ્દી કાગળનો આ રીતે તેઓ ઉપયોગ કરતા કે જેથી કપ મૂકવાથી ટિપોય બગડે નહિ.
વિષ્ણુભાઈને રોજેરોજ કોઈક ને કોઈક ઘરમાં મળવા આવ્યું જ હોય. એમણે પોતાના મકાનનું નામ “મૈત્રી' રાખ્યું હતું. સંસ્કૃત ભાષાના અધ્યાપક અને ચાહક હોવાથી મૈત્રી શબ્દ પણ તેમણે દેવનાગરી લિપિમાં રાખ્યો હતો. પોતાના પત્રવ્યવહારમાં પણ એ રીતે જ લખતા. પોતાના નિવાસસ્થાનના નામને આ રીતે એમણે સાર્થક કર્યું હતું.
નિવૃત્ત થયા પછી વિષ્ણુભાઈ પોતે ઘરની બહાર જતા નહિ. પરંતુ કૉલેજના અધ્યાપકો, સાહિત્યકારો અને બીજાઓ સાથે એમનો ગાઢ મૈત્રીસંબંધ સતત ચાલુ રહ્યો હતો. એમના વિદ્યાર્થીઓ પણ એમને બહુ જ આદરપૂર્વક ચાહતા. એટલે નિવૃત્ત થવા છતાં કોઈ દિવસ એવો પસાર થતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org