________________
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
૧૪૩ અને વખતોવખત પોતાના પ્રતિભાવ જણાવતા. કેટલાંક વર્ષ પહેલાં નવનીત' સામયિકમાં “પાસપોર્ટની પાંખે'ના નામથી મેં મારા વિદેશયાત્રાના અનુભવો લખવા ચાલુ કર્યા હતા. વિષ્ણુભાઈ તે પણ રસપૂર્વક નિયમિત વાંચી જતા. એક વખત એમના ઘરે હું મળવા ગયો હતો ત્યારે પાસપોર્ટની પાંખે'ના અનુભવોની વાત નીકળી. મેં કહ્યું કે “આમ તો હું મારા કોઈ પુસ્તકની પ્રસ્તાવના કોઈની પાસે લખાવતો નથી, પરંતુ આપ “નવનીત'માં મારું લખાણ નિયમિત વાંચી જાવ છો અને આપનો પ્રતિભાવ પત્રમાં કોઈ કોઈ વાર જણાવતા રહો છો તો મારી આપને નમ્ર વિનંતી છે કે આ પુસ્તકને માટે આશીર્વચનરૂપે, આપની તબિયતને અનુકૂળ રહે તે રીતે, થોડુંક લખી આપો.' એમણે મારો પ્રસ્તાવ સ્વીકાર્યો અને ઉલ્લાસથી કહ્યું કે “તમારા પુસ્તક માટે તો હું જરૂર લખી આપીશ, પણ ચંદ્રવદન મહેતાએ વિદેશનો ઘણો પ્રવાસ કરેલો છે. એમની પાસે પણ પ્રસ્તાવના લખાવો.” એમનું સૂચન યોગ્ય હતું. ચંદ્રવદન મહેતાએ તો મારી વિનંતી સ્વીકારીને તરત પ્રસ્તાવના લખી આપી. વિષ્ણુભાઈએ પણ તબિયતની પ્રતિકૂળતા ઘણી હતી છતાં ‘પાસપૉર્ટની પાંખે માટે આશીર્વચનરૂપ ટૂંકી પ્રસ્તાવના લખી આપી. મારા એ પુસ્તક માટે એમની પ્રસ્તાવના મળી એને હું મારું મોટું સદ્ભાગ્ય સમજું છું.
વિષ્ણુભાઈ પત્ર લખવામાં બહુ જ નિયમિત. તેમને પત્ર લખ્યો હોય અને થોડા દિવસમાં જવાબ ન આવ્યો હોય એવું ભાગ્યે જ બને. તેઓ ઘણુંખરું પોસ્ટકાર્ડ લખે. ક્યારેક વિગતવાર અથવા અંગત પત્ર લખવો હોય તો બીડીને લખે. એમની પાસે પોસ્ટકાર્ડની થપ્પી પડેલી જ હોય. એક પોસ્ટકાર્ડમાં સમાય એટલું તો એમણે લખ્યું જ હોય. પરંતુ ટપાલમાં નાખતાં સુધી બીજું જે કંઈ સૂઝયું હોય તે આડીઅવળી કોરી જગ્યામાં પણ લખ્યું હોય. એવા આડાઅવળા લખાણ વગરનો પત્ર તો કોઈક જ વાર મળે. કોઈક વાર તો કોરી જગ્યા વપરાઈ ગયા પછી પણ કંઈક લખવાનું સૂઝે તો એનું અનુસંધાન બીજા પોસ્ટકાર્ડમાં ચાલે. કોઈક વાર મને એમનું બીજું પોસ્ટકાર્ડ ટપાલમાં પહેલાં મળતું અને પહેલું પોસ્ટકાર્ડ પછી મળતું, પણ દરેક પત્રમાં ઔપચારિક વાત ઉપરાંત એમણે કોઈક ને કોઈક મુદ્દા ઉપર સરસ સુવિચાર વ્યક્ત કર્યો જ હોય. એમની ભાષામાં પણ મૃદુતા અને સૌજન્યશીલતા ટપકતી હોય. એમના વિચારોમાં ઉદારતા, ઉદાત્તતા અને વિશદતા હંમેશાં અનુભવવા મળતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org