________________
૧૪૨
વંદનીય હૃદયસ્પર્શ એમનાં પત્ની શાંતાબહેનને પણ અર્પણ કર્યો. આ ગ્રંથની નકલ જ્યારે મેં વિષ્ણુભાઈને મોકલાવી ત્યારે તરત જ એમનો ઉમળકાભર્યો પત્ર આવી પહોંચ્યો. એમણે લખ્યું હતું કે “ગ્રંથ ખોલતાં જ ખબર પડી કે તમે આ ગ્રંથ મને અને મારાં પત્નીને પણ અર્પણ કર્યો છે. એ વાંચીને અમે બંનેએ આશ્ચર્યસહિત અત્યંત આનંદ અનુભવ્યો છે. નળ-દમયંતી જેવાં પ્રીતિપાત્રોનાં દામ્પત્યજીવન સાથે અમારા દામ્પત્યજીવનનું અનુસંધાન થયું એ જોઈને અમારો આખો દિવસ ઉત્સવની જેમ પસાર થયો છે. ઘરે જે કોઈ મળવા આવ્યું તે સૌને તમારો ગ્રંથ મારાં પત્નીએ બતાવ્યો છે અને બધાં બહુ જ રાજી થયાં છીએ.” વિષ્ણુભાઈના જીવનમાં આનંદના નિમિત્ત બની શકાયું એ વાતે મને પણ ધન્યતાનો અનુભવ કરાવ્યો.
વિષ્ણુભાઈ વતની ઉમરેઠના હતી. ડાકોર પાસેનું એ ગામ. એમણે અભ્યાસ અમદાવાદની કૉલેજમાં કર્યો. અને યુવાનવયે સૂરતની એમ. ટી. બી. કૉલેજમાં અધ્યાપક તરીકે સ્થાન મળ્યું એટલે સૂરતમાં કાયમ રહ્યા. કેટલીક વ્યક્તિઓ વ્યાવસાયિક નિવૃત્તિ પછી પોતાના વતનમાં પાછી ફરતી હોય છે. પરંતુ વિષ્ણુભાઈએ તો ઉમરેઠ ન જતાં સૂરતને જ પોતાનું વતન બનાવ્યું અને જીવનના અંત સુધી સૂરતમાં રહ્યા. નિવૃત્તિ પછીના ત્રણ દાયકાના ગાળામાં વિષ્ણુભાઈ ઉમરેઠ ગયા નહોતા. જવાનું કોઈ ખાસ પ્રયોજન પણ રહ્યું નહોતું. કૉલેજના અધ્યાપનકાળ દરમિયાન પણ તેઓ ઉમરેઠ જવલ્લે જ ગયા હતા. મારું મોસાળ તે ઉમરેઠ પાસેનું એક ગામ છે. એટલે કોઈક વખત વિષ્ણુભાઈને હું મળતો ત્યારે ઉમરેઠની વાત નીકળતી. ચરોતરની બોલી અને ચરોતરના લોકોના સંસ્કારની લાક્ષણિકતાની વાતો થતી. “ઓડ ઉમરેઠના ઊંડા કૂવા, દીકરી દે તેનાં મા-બાપ મૂ' એવી લોકોક્તિ પાણીના નળ આવ્યા ત્યાં સુધી એ વિસ્તારમાં પ્રચલિત હતી. વિષ્ણુભાઈની કિશોરાવસ્થા ચરોતરમાં વીતી હતી. પરંતુ ચરોતર છોડ્યા પછી એમની ભાષા બોલીમાં ક્યારેય ચરોતરની છાંટ જોવા મળી નથી. તેઓ ઉમરેઠના ચરોતરી વતની છે એવું જો કોઈને કહેવામાં આવે તો કદાચ તે માને પણ નહિ. ભાષા, રહેણીકરણી ઉપરાંત સ્વભાવે પણ તેઓ સૂરતી જેવા આનંદી અને લહેરી થઈ ગયા હતા.
વિષ્ણુભાઈ ‘પ્રબુદ્ધ જીવન'માં છપાતા મારા લેખો નિયમિત વાંચી જતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org