________________
૬૪
પ્રભાવક સ્થવિરો
કર્યા, જે સિદ્ધિઓ મેળવી અને જૈન-જૈનેતર સમાજ ઉપર એમનો જે પ્રભાવ પડ્યો તેનું ઐતિહાસિક મહત્વ ઘણું બધું છે. ગુરુમહારાજ પૂ. આત્મારામજી મહારાજે એમને સોંપેલા પંજાબના કાર્યક્ષેત્રનું સુકાન એમણે બરાબર સંભાળ્યું અને દીપાવ્યું. પંજાબીઓના ગુરુ તરીકે તેઓ અનન્ય બની ગયા. ઘરે ઘરે એમનું શુભ નામ પ્રાતઃ સ્મરણીય બની ગયું.
પંજાબના ભક્તોને ભક્તિસંગીતનો રસ ઘણોબધો રહ્યો છે. પંજાબમાં આત્મારામજી મહારાજના સમયથી થયેલી “સંક્રાંતિ દિન' ઊજવવાની પ્રથા આજ દિવસ સુધી ચાલી આવી છે. માત્ર બેસતા વર્ષના દિવસે જ નહિ, પરંતુ દર મહિને સંક્રાંત દિન ઊજવાય છે, અને અંતે ગુરુમુખે માંગલિક સંભળાય છે. એવી ઉજવણીમાં ભક્તિનાં વિવિધ પદો રજૂ થાય છે. શ્રી વલ્લભસૂરિ મહારાજ વિદ્યમાન હતા ત્યારે પંજાબમાં અનેક કવિઓએ પોતાના ગુરુમહારાજ શ્રી વલ્લભસૂરિ માટે પદો લખ્યાં છે. એમના કાળધર્મ પછી પણ એમને અંજલિ આપતાં અનેક પદો જૈન-જૈનેતર કવિઓની કલમે લખાયાં છે અને મધુર કંઠે અનેક વાર તે ગવાયાં છે. શ્રી વલ્લભસૂરિ મહારાજ વિશે વર્તમાન સમયમાં વધુમાં વધુ પદો જો લખાયાં હોય તો તે શ્રી વલ્લભસૂરિ મહારાજ વિશેનાં છે. એ બધાં પદો પરથી આપણને પ્રતીતિ થાય છે કે શ્રી વલ્લભસૂરિ મહારાજના પવિત્ર જીવનનો પ્રભાવ જનજીવન ઉપર અને ભક્ત-કવિઓ ઉપર કેટલો બધો રહ્યો છે !
પોતાના ગુરુમહારાજ પ્રત્યેના પૂજયભાવને મૂર્તિમત્ત સ્વરૂપ આપવા માટે દરેક ધર્મ-સંપ્રદાયમાં વિવિધ યોજનાઓ સમયે સમયે થતી હોય છે. ગુરુમહારાજની પ્રતિમાની સ્થાપના થાય છે અને ભવ્ય ગુરુમંદિરોનું નિર્માણ થાય છે. દિલ્હીમાં “વલ્લભ સ્મારક'નું જે ભવ્ય આયોજન થયું છે એ શ્રી, વલ્લભસૂરિ મહારાજના ભક્તોના એમના પ્રત્યેના પૂજ્યભાવ અને ભક્તિભાવનું દ્યોતક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org