________________
૫૮
પ્રભાવક સ્થવિરો
હતી અને એમની વાણીમાં એવું વાત્સલ્ય હતું કે તોફાનની બધી જ વાતો શમી ગઈ. મહારાજશ્રીના વ્યાખ્યાનમાં જૈનો ઉપરાંત શીખો અને મુસલમાનો પણ આવતા. એક શીખ ભાઈએ તો દેરાસરમાં દરવાજાનું કામ કરીને તેમાંથી થયેલી બધી કમાણી દેરાસરને અર્પણ કરી દીધી હતી. - પંજાબમાં અકાલગઢ નામે નાનુસરખું ગામ છે. એ ગામમાં શ્રાવકોનું એક પણ ઘર ન હતું. મહારાજશ્રી પોતાના શિષ્યો સાથે જ્યારે એ ગામમાંથી પસાર થયા ત્યારે લોકોએ પોતાના ગામમાં રોકાઈ જવા માટે બહુ જ આગ્રહ કર્યો. મહારાજશ્રી ત્યાં રોકાયા. એમના વ્યાખ્યાનમાં ગામના બધા જ લોકો આવવા લાગ્યા. એકાદ દિવસનો મુકામ વિચાર્યો હતો તેને બદલે લોકોના આગ્રહ તથા પ્રેમભક્તિના કારણે મહારાજશ્રી ત્યાં પંદર દિવસ સુધી રોકાયા હતા અને લોકોને ધર્મના રંગે રંગ્યા હતા.
બ્રહ્મનિષ્ઠ તપોમય જીવન જીવનાર સાધકોને ક્યારેક વચનસિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. એક વખત એમના મુખમાંથી શબ્દ નીકળે તો તે પ્રમાણે જ બને. શ્રી વલ્લભસૂરિ મહારાજનું પવિત્ર અંતઃકરણ જગતના સર્વ જીવો માટે પ્રેમ, કરુણા અને વાત્સલ્યથી એવું સભર હતું કે બીજાનું દુઃખ તેઓ સહન કરી શકતા નહિ. “સબ કુછ અચ્છા હો જાયેગા' એમ કહીને તેઓ જ્યારે આશીર્વાદ આપતા ત્યારે બીજાનું દુઃખ દૂર થઈ જતું. આથી કેટલાક લોકો આવા પ્રસંગોને ચમત્કારિક ગણાવતા. જોકે શ્રી વલ્લભસૂરિ મહારાજ સ્પષ્ટ કહેતા કે પોતે આવા કોઈ ચમત્કારો કરતા નથી. એમ છતાં એમના જીવનમાં એવા કેટલાક પ્રસંગો બન્યા છે, જે ચમત્કાર જેવા લેખાય છે. મેરઠ જિલ્લાના એક વકીલને ખોટી રીતે ફાંસીની સજા થઈ હતી. એનાં પત્ની શ્રી વલ્લભસૂરિ મહારાજ પાસે રડતાં રડતાં આવ્યાં હતાં અને બધી વિગત જણાવી હતી. તે વખતે શ્રી વલ્લભસૂરિ મહારાજે “સબ કુછ અચ્છા હો જાયેગા” એમ કહી સાંત્વન આપી તેને વાસક્ષેપ આપ્યો હતો. ત્યારપછી એ વકીલની ફાંસીની સજા રદ થઈ હતી. તે વખતે મહારાજશ્રી મુંબઈમાં હતા. પોતાનો જીવ બચી ગયો એ હર્ષ વ્યક્ત કરવા માટે તે વકીલ મુંબઈ આવ્યા હતા અને મહારાજશ્રીને પોતાના પ્રાણદાતા તરીકે જાહેરમાં ઓળખાવ્યા હતા.
બીજા એક પ્રસંગે શ્રી વલ્લભસૂરિ મહારાજ જ્યારે પાલિતાણામાં હતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org