________________
શ્રી કહૈયાલાલજી મહારાજ
ત્યારે હું પૂ. કહૈયાલાલજી મહારાજને વંદન કરવા અચૂક જતો. ચાતુર્માસના અંતે નાસિક રોડમાં એમના દીક્ષાપર્યાયની સુવર્ણજયંતી ઊજવાઈ ત્યારે પણ મને આમંત્રણ હતું અને એ સભામાં મેં પ્રાસંગિક વક્તવ્ય પણ આપ્યું હતું.
ત્યાર પછી મહારાજશ્રીએ રાજસ્થાન બાજુ વિહાર કર્યો. એમની સાથેનો સંપર્ક પત્ર દ્વારા સતત રહેતો. દરેક ચાતુર્માસની અને ઉત્સવોની પત્રિકા આવતી. થોડાં વર્ષ પહેલાં માઉન્ટ આબુ જ્યારે જવાનું મારે થયું હતું ત્યારે શ્રી વર્ધમાન મહાવીર કેન્દ્રમાં એમને વંદન કરવા પણ હું સહકુટુંબ ગયો હતો.
ઉપાધ્યાય શ્રી કન્હેયાલાલજી મહારાજની તબિયત, જ્યારથી પેટનું ઑપરેશન કરાવ્યું ત્યારથી નરમગરમ રહ્યા કરતી હતી. શૌચાદિ માટે નળી મૂકી હતી તો પણ એમની માનસિક સ્વસ્થતા અને સ્ફૂર્તિ સારાં રહેતાં હતાં. છેલ્લા કેટલાક સમયથી તબિયતને કારણે એમણે આબુમાં શ્રી વર્ધમાન મહાવીર કેન્દ્રમાં સ્થિરવાસ કરી લીધો હતો. જીવનની ઉત્તરાવસ્થામાં એમની ઇચ્છાનુસાર એમના અનુયોગના ચારે વિભાગોના દળદાર ગ્રંથો પ્રકાશિત થઈ ગયા હતા. જીવનભર એક મિશનની જેમ અનુયોગનું કામ એમણે ઉપાડ્યું હતું. એનું લેખનકાર્ય પૂરું થયું અને એનું પ્રકાશનકાર્ય પણ પૂરું થયેલું પોતે જોઈને સંતોષ પામી શક્યા હતા.
પ. પૂ. મહારાજશ્રીનું હવે ૮૮મું વર્ષ ચાલતું હતું. તેઓ વયોવૃદ્ધ અને અશક્ત થયા હતા. તા. ૧૭મી ડિસેમ્બર ૨૦૦૦ના રોજ આબુમાં વિજય મુહૂર્તે એમણે માંગલિક સંભળાવ્યું હતું. પાર્શ્વનાથ ભગવાનના જન્મકલ્યાણકની ઉજવણી આવી રહી હતી. પરંતુ ત્યાં તો તા. ૧૭મી ડિસેમ્બરે બપોરે સવા ત્રણ વાગે એમની તબિયત એકદમ બગડી ગઈ. એમના શિષ્યો પૂ. શ્રી વિનયમુનિજી તથા પૂ. શ્રી ગોતમમુનિજી પાસે જ હતા. પૂ. શ્રી મુક્તિપ્રભાશ્રીજી વગેરેને બોલાવવામાં આવ્યાં મહારાજશ્રીને લાગ્યું કે પોતાનો અંતસમય આવી ગયો છે. એટલે તરત એમણે બપોરે સવા ત્રણ વાગે સંથારો લઈ લીધો. એમના અંતિમ શ્વાસ ચાલુ થયા. બીજી દિવસે તા. ૧૮મી ડિસેમ્બરે વહેલી સવારે પોણા ચાર વાગે, બ્રહ્મમૂહૂર્તે એમણે દેહ છોડ્યો. એમના કાળધર્મના સમાચાર ચારે બાજુ પ્રસરી ગયા. એમના અનેક ભક્તો, અનુયાયીઓ આબુ આવી પહોંચ્યા.
Jain Education International
૫૮૯
For Private & Personal Use Only
www.jainelibrary.org