________________
શ્રી વિજયાનંદસૂરિ મહારાજ
૩૧
વડોદરાથી છાણી વિહાર કરીને જવાના હતા. એમણે વ્યાખ્યાનમાં પોતાનો વિહાર જાહેર કરી દીધો હતો. એ વખતે કલકત્તાના ધનાઢય અને જૈન આગેવાન બાબુ બદ્રીદાસજી એમની વાણી સાંભળવા કલકત્તાથી વડોદરા આવી પહોંચ્યા. મહારાજશ્રીની વિહારની વાત સાંભળી તેમણે મહારાજશ્રીને એક દિવસ વધુ વડોદરામાં રોકાઈ જવા કહ્યું. જૈન સમાજના આવા મોટા શ્રીમંત આગેવાન માટે રોકાવું કોને ન ગમે ? પરંતુ મહારાજશ્રીએ એમને પ્રેમપૂર્વક જણાવી દીધું કે “અમારો વિહાર નક્કી થઈ ગયો છે. એમાં ફેરફાર નહિ થાય. માટે વ્યાખ્યાન સાંભળવું હોય તો તમે છાણી આવો.” એટલે બાબુ બદ્રીદાસજી છાણી ગયા અને ત્યાં એમણે મહારાજશ્રીનું વ્યાખ્યાન સાંભળ્યું. મહારાજશ્રીની પ્રતિભા એટલી મોટી હતી કે શેઠ બદ્રીપ્રસાદે એ બાબતમાં કંઈ માઠું લગાડ્યું નહિ, બલકે પોતાનો આનંદ વ્યક્ત કર્યો.
આત્મારામજી મહારાજ સાચા ત્યાગી હતા એટલે તેઓ શ્રીમંતો તરફ પૂરો સભાવ રાખતા, પણ શ્રીમંતોની શ્રીમંતાઈથી તેઓ અંજાતા નહિ કે તેમના તરફ પરાધીનતાનો ભાવ ધરાવતા નહિ.
- શ્રી આત્મારામજી મહારાજની હાજરજવાબીનો એક સરસ પ્રસંગ પણ નોંધાયેલો છે. આત્મારામજી એક સરદાર યોદ્ધાના પુત્ર હતા. એટલે એમનો દેહ કદાવર, સશક્ત, ખડતલ, ઊંચો અને ભરાવદાર હતો. દેખાવે તેઓ પહેલવાન જેવા લાગતા હતા ત્યારે તેમને જોઈને એક કુસ્તીબાજે બીજા કુસ્તીબાજને કહ્યું, “આજે આપણા અખાડા તરફ આ કોઈ એક નવો કુસ્તીબાજ આવી રહ્યો છે.” આત્મારામજીએ એ મજાક સાંભળી. તેઓ પણ નિર્દોષ મજાક કરવામાં નિપુણ હતા. એમણે હસતાં હસતાં એને કહ્યું, “ભાઈ, હું કુસ્તીબાજ છું એ વાત સાચી છે. પરંતુ હું દેહ સાથે નહિ, પણ ઇન્દ્રિયો સાથે કુસ્તી લડી રહ્યો છું, અને તેમાં વિજય મેળવવાની મારી આકાંક્ષા છે. સાચી કુસ્તી એ છે.”
આત્મારામજીનો જવાબ સાંભળી પેલો કુસ્તીબાજ શરમિંદો બની ગયો.
શ્રી આત્મારામજી મહારાજ પોતે આપેલું વચન પાળવાના આગ્રહી હતા અને એ માટે જે કંઈ કષ્ટ સહન કરવાનું આવે તે સહન કરતા. એવી રીતે પોતાના શિષ્યો પાસે પણ વચનપાલન કરાવતા. એક વખત એમના એક શિષ્ય શ્રી હર્ષદવિજયજી મહારાજે ઘોઘાના સંઘને ચાતુર્માસ માટે હા પાડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org