________________
216
SRUTA-SARITA
અકલંક, હરિભદ્ર, વિદ્યાનંદ કે યશોવિજયજી જેવાઓએ જૈન દર્શનના નિરૂપણમાં જે ફાળો આપ્યો છે તે તેમને સ્વતંત્ર દાર્શનિકો તરીકે ભલે યશ ન અપાવે પરંતુ તેમનાં કાર્યોનું મહત્ત્વ તેથી કંઈ ઓછું થતું નથી. તેનાં કારણોનો વિચાર પણ અહીં થોડો કરી લેવો જોઈએ.
ન્યાયદર્શન કે વૈશેષિકદર્શન ભેદમૂલક દર્શન છે અને તેને મતે આત્મા જેવા પદાર્થો નિત્ય છે, તેથી વિપરીત વેદાંતમાં અભેદને પ્રાધાન્ય છે. જયારે બૌદ્ધ દર્શનમાં બધી જ વસ્તુઓ ક્ષણિકઅનિત્ય છે. ગૌતમ કે કણાદે ભેદની સ્થાપનામાં જે દલીલો આપી હોય તેનું નિવારણ વેદાન્ત કરવું જોઈએ અને નિત્યની સ્થાપનાનું ઉત્થાપન બૌદ્ધોએ કરવું જ જોઈએ. આ પરિસ્થિતિમાં ભારતીય દર્શનોમાં પારસ્પરિક ખંડનની પરંપરા ચાલે એ સ્વાભાવિક છે. એથી જ આપણે જોઈએ છીએ કે ન્યાયસૂત્રમાં પોતાના સમય સુધીમાં ન્યાયપરંપરા સામે અન્ય પરંપરામાં જે આક્ષેપો થયા હતા તે બધાનો ઉત્તર આપવાનો પ્રયત્ન થયો છે અને પોતાની માન્યતાને નવી દલીલોથી દઢ કરવામાં આવી છે. ન્યાયસૂત્રકાર પછી જે બૌદ્ધ વિદ્વાનો થયા તેમણે ન્યાયસૂત્રની સ્થાપનાને ઉત્થાપી હતી. તેનો ઉત્તર વાત્સ્યાયને આપીને ન્યાયદર્શનને દૃઢ કરવાનો પ્રયત્ન કર્યો. પણ તેનું ખંડન દિનાને કર્યું અને બૌદ્ધપક્ષને સ્થિર કર્યો. આ રીતે ન્યાય અને બૌદ્ધોનું જેમ વાગ્યુદ્ધ થયું છે તેમ બીજાં દર્શનોનું પણ પરસ્પર યુદ્ધ થયું છે. પ્રત્યેક દર્શનના પ્રમુખ વિદ્વાનનું એ કર્તવ્ય મનાયું છે કે તેણે પોતાના સમય સુધીમાં તે તે દર્શન વિશે જે આક્ષેપો થયા હોય તેનું નિવારણ કરીને નવી દલીલો આપી પોતાના પક્ષને દઢ કરવો જોઈએ. આથી પોતાના પક્ષને દઢ કરવાનું કાર્ય કોઈ પણ નવી સ્થાપનાથી જરા પણ ઓછા મહત્ત્વનું નથી. એ આપણને સહજમાં સમજાઈ જાય છે. આ વસ્તુસ્થિતિના પ્રકાશમાં વાચક યશોવિજયજીનો જૈન દર્શન અને તે દ્વારા ભારતીય દર્શનોમાં જે ફાળો છે તેનો જયારે વિચાર કરીએ છીએ ત્યારે તેમનું મહત્ત્વ આપણી આગળ ઊપસી આવે છે.
આચાર્ય ગંગેશે ભારતીય દર્શનમાં નવ્યન્યાયની સ્થાપના કરી અને વિચારને વ્યક્ત કરવાની એક ચોકસાઈભરેલી પ્રણાલીનો આવિર્ભાવ કર્યો. ત્યાર પછી બધાં દર્શનોને એ નવી શૈલીનો આશ્રય લેવો પડ્યો છે. એનું કારણ એક જ છે કે કોઈપણ વિચારને સ્પષ્ટ અને ચોક્કસ રૂપમાં મૂકવામાં એ શૈલી જે પ્રકારે સહાયક બને છે તેવી સહાયતા પ્રાચીન પ્રણાલીમાં મળતી ન હતી. આથી શાસ્ત્રકારોને પોતાના વિચારો એ શૈલીના આશ્રયે વ્યક્ત કર્યા સિવાય ચાલે તેમ ન હતું. આ જ કારણ છે કે વ્યાકરણ અને અલંકાર જેવા વિષયોમાં પણ તેનો આશ્રય લેવામાં આવ્યો છે. એ પછી તો બધાંય દર્શનો તેનો આશ્રય લે તેમાં કશી જ નવાઈ ન લેખાય. પરંતુ એ શૈલીના ચારસો વર્ષના પ્રચલન છતાં જૈન દર્શનમાં એ શૈલીનો પ્રવેશ થયો ન હતો. ચારસો સાડાચારસો વર્ષના એ વિકાસથી જૈન દર્શન અને જૈન ધર્મ સંબંધી સમસ્ત સાહિત્ય સાવ વંચિત હતું. ભારતીય સાહિત્યના બધાં ક્ષેત્રે એ શૈલીનો પ્રવેશ થયો છતાં પણ જૈન સાહિત્યમાં એ ન પ્રવેશી તેમાં જૈનાચાર્યોની શિથિલતાને જ કારણ માનવું જોઈએ. કારણ, જો પોતાના શાસ્ત્રને નિત્યનૂતન રાખવું હોય તો જે જે અનુકૂલ કે પ્રતિકૂલ વિચારો પોતાના સમય સુધી વિસ્તર્યા હોય તેનો યથાયોગ્ય રીતે પોતાના શાસ્ત્રમાં સમાવેશ કરવો આવશ્યક છે. અન્યથા તે શાસ્ત્ર બીજાં શાસ્ત્રોની હરોળમાં ઊભું રહી શકે જ નહીં. એ ચારસો સાડાચારસો વર્ષના વિકાસનો સમાવેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org