________________
198
વ્યાખ્યા કરવામાં આવી છે. એટલું જ નહિ પરંતુ એક એક નયના સો સો ભેદ કરીને સાતસો નય કરવામાં આવ્યા છે, જે આગમમાં દેખાતા નથી. વળી મૂળ નયની માન્યતામાં પણ ભેદ પડી ગયેલો જણાઈ આવે છે. નિર્યુક્તિમાં મતાંતરે છેલ્લા ત્રણ નયને એક કરી પાંચ જ મૂળ નયો માનનારી પરંપરાનાં દર્શન થાય છે. અને એ પાંચના પાંચસો ભેદ પણ કરવામાં આવ્યા છે. ઉમાસ્વાતિના તત્ત્વાર્થ સૂત્રમાં આવેલ પાંચ મૂળ નયવાદના આધારભૂત આ નિર્યુક્તિગત પાંચ નયવાદ જ છે, એમ માનવામાં કશી અડચણ નથી. અર્થાત્ ઉમાસ્વાતિએ એ પાંચ નયવાદ પોતે નવો ઊભો નથી કર્યો પરંતુ આમિક સાત નયવાદને ગૌણ રાખી આ પાંચને જ મૂળનયો સ્વીકાર્યા છે, તેમાં તેમની પ્રતિભાનાં દર્શન છે.
ŚRUTA-SARITĀ
વળી નિર્યુક્તિ તો ત્યાં સુધી પ્રતિપાદન કરે છે કે જિન પ્રવચનમાં જે કાંઈ કહેવામાં આવ્યું છે તે નય દ્વારા જ કહેવામાં આવ્યું છે. નય વિનાનું એક પણ વચન જિનપ્રવચનમાં છે જ નહિ. આ રીતે નિર્યુક્તિએ નયનું મહત્ત્વ ખૂબ જ વધારી દીધું છે. અને એ ઉપરથી આપણે કલ્પના કરી શકીએ છીએ કે આગમમાં તેમજ નિર્યુક્તિમાં એ નયોની મર્યાદા જિનપ્રવચનની માન્યતાઓ સુધી જ હતી, જે પાછળના સાહિત્યમાં તોડવામાં આવી છે. પરંતુ પાછો પ્રશ્ન પુછાય છે કે ત્યારે ઉપલબ્ધ સમસ્ત જૈનાગમોમાં તેવું પ્રત્યેક પદે નય દ્વાર વિવેચન કેમ દેખાતું નથી ? તેનો જવાબ નિર્યુક્તિકાર આપે છે કે ખાસ કરીને તત્ત્વજ્ઞાનના વિષયમાં દેખાતા વિરોધોનો સમન્વય કરવાની આવશ્યકતા રહે છે, તેથી નયોનો તત્ત્વજ્ઞાનથી ભરપૂર દૃષ્ટિવાદમાં પ્રત્યેક પદે ઉપયોગ કરવામાં આવ્યો છે. અને બીજે શ્રોતાની યોગ્યતા વગેરે જોઈને ક્યાંક નયવાદનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને જ્યાં જરૂર નથી ત્યાં તે વિના પણ ચલાવી લેવામાં આવ્યું છે. જૈનાચાર્યોએ નયપ્રતિ વધારે લક્ષ કેમ આપ્યું ?
આપણે ઉપર જોયું તે પ્રમાણે નિર્યુક્તિઓએ એ નયના મહત્ત્વનો નિર્દેશ કર્યો છે અને પાછળના સાહિત્યમાં નયનો જે વિસ્તાર દષ્ટિગોચર થાય છે, તે એ નયના મહત્ત્વદર્શી નિર્દેશને આભારી છે એમ માનવું જરાય અત્યુક્તિપૂર્ણ નથી. એ નિર્દેશમાં જ જૈનાગમની ચાવી રહેલી છે. એથી પરવર્તી આચાર્યોએ એ ચાવીને પૂર્ણ બનાવવા અથાગ પરિશ્રમ સેવ્યો છે. જેને લઈને જૈન દર્શન નયવાદ અને સ્યાદ્વાદના સિદ્ધાન્તને તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં તેના સંપૂર્ણ સ્વરૂપમાં મૂકવાના પ્રયત્નમાં અજોડ રહ્યું છે અને તેથી જ પ્રતિષ્ઠાને પણ પામ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org