________________
૬૬
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા વાંજિત્રોના સમન્વયથી વધુ આનંદદાયક બને છે. ફાગુમાં વસંતઋતુ ઉપરાંત વર્ષાના વિરહને પણ સ્થાન પ્રાપ્ત થયું છે. ફાગુ કાવ્ય પ્રકારના વિકાસમાં જૈન કવિઓનું પ્રદાન મૂલ્યવાન છે.
જૈન કવિઓનાં ફાગુ કાવ્યો બે વિભાગમાં વહેંચાયેલાં પ્રાપ્ત થાય છે. પ્રથમ વિભાગમાં વસંતને અનુરૂપ જીવનનો આનંદોલ્લાસ અને બીજામાં સંસારની અસારતા જાણીને નાયકનાયિકા સંયમનો સ્વીકાર કરીને આત્માના શાશ્વત સુખને માટે પુરુષાર્થ કરે છે તેનું શાંત રસ ના સંદર્ભમાં નિરૂપણ થયેલું હોય છે. એટલે શ્રૃંગાર અને શાંત રસની અનેરી સૃષ્ટિનો આસ્વાદ કરાવે તેવી ફાગુ કાવ્ય કૃતિઓ રચાઈ છે. બીજા શબ્દોમાં કહીએ તો સંસારના ભોગવિલાસ પછી તેના ત્યાગ દ્વારા આત્માના સુખની પ્રાપ્તિનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. જૈનેતર ફાગુમાં પ્રકૃતિ સૌન્દર્ય અને શૃંગાર રસની રસિકતા નિહાળી શકાય છે તેમાં ધાર્મિક સંપ્રદાયનો પ્રભાવ નથી એટલે કાવ્યની દૃષ્ટિએ ઉચ્ચ સ્થાન ધરાવે છે. અજ્ઞાત કવિ કૃત ‘વસંતવિલાસ’ આ પ્રકારની કૃતિ વિશેષ ગૌરવપ્રદ છે.
ફાગુમાં વિવિધ પ્રકારની દેશીઓનો પ્રયોગ થાય છે. દેશીઓમાં રહેલી ગેયતા સમૂહમાં ગાવા માટે અનુકૂળ બને છે. આ દેશીઓ છંદોના સંદર્ભથી રચાયેલી હોવાથી ગેયતાનું લક્ષણ વિશિષ્ટ રીતે સિદ્ધ થયું છે. વસંતોત્સવમાં ગવાતા રાસને ફાગુ કહેવામાં આવે છે. પ્રકૃતમાં નવજીવન સાથે માનવ જીવનમાં રંગ રાગ અને રસથી દેશીનૃત્ય સાથે ગવાતા રાસ એ ફાગુના પર્યાયરૂપ છે. ફાગુનો આરંભ આવા નૃત્ય-સંગીત અને રસિક પદાવલીથી થયો હતો. ત્યારપછી ૧૧મા શતકના અંતમાં દીર્ધકાવ્ય તરીકે તેનો વિસ્તાર થયો છે. ફાગુ કાવ્યમાં વ્યક્તિ-પ્રસંગવર્ણન મહત્વનું બન્યું હતું. તેમાં દુહા-ચઉપઈ જેવા છંદનો પ્રયોગ થયો હતો. એટલે ફાગુએ ગીત કાવ્યના નમૂનારૂપે પણ સ્થાન ધરાવે છે. જૈન ધર્મના ઉપદેશની પૂર્વ ભૂમિકા રૂપે વસંત-વર્ષા ઋતુનું વર્ણન પ્રાસંગિક રીતે સ્થાન પામ્યું અને તેના દ્વારા સાંપ્રદાયિક બોધાત્મક વિચારોનું પ્રતિપાદ થતું હતું. ધર્મના રંગમાં રંગાઈ જવાય તેવાં ફાગુ કાવ્યોની રચના થઈ અને શૃંગારરસની ભૂમિકા હોવા છતાં અંતે તો શાંતરસમાં કૃતિની સમાપ્તિ થતી હતી. મહાકાવ્ય રાસ સમાન છે તો ફાગુ કાવ્ય ખંડ કાવ્ય સમાન છે કારણ કે ફાગુમાં જીવનના એકાદ પ્રસંગને વસંતવર્ષા ઋતુના સંદર્ભમાં ૨સ-ભાવ-વર્ણન આદિથી રજૂ કરવામાં આવે છે. એટલે ફાગુ સ્વતંત્ર કાવ્ય પ્રકાર તરીકે અસ્તિત્વમાં આવ્યો છે. ‘ફાગુ’ કાવ્યોનો સંક્ષિપ્ત પરિચય નીચે પ્રમાણે છે.
જીવનના અભૂતૂપર્વ આનંદોલ્લાસનું શ્રૃંગારરસ યુક્ત પ્રકૃતિની પ્રશ્ચાદ્ભૂમિકા વર્ણન કરતું ફાગુ કાવ્ય કવિતા સર્વ અંગોથી અલંકૃત ગણાય છે. જૈન સાહિત્યમાં ફાગુ કાવ્યોની રચનામાં મોટે ભાગે કવિઓએ નેમનાથ-રાજિમતી સ્થૂલિભદ્ર-કોશાના અને જંબૂસ્વામીના પાત્રોની નાયકનાયિકા તરીકે પસંદગી કરીને કાવ્યરચના કરી છે. જૈન ફાગુ કાવ્યોમાં જીવનનો ઉલ્લાસ તો નિહાળી શકાય છે પણ આ ઉલ્લાસ પછી સંયમશ્રીને વરવા-વરવાના શાશ્વત સુખ પ્રદાયક માર્ગનું અનુસરણ કરવાનો પ્રસંગ પણ ભૌતિક ઉલ્લાસ કરતાં સવિશેષ નોંધપાત્ર ગણાય છે. ફાગુ કાવ્યનું સારભૂત તત્ત્વ શૃંગાર નિરૂપણ ન હતું પણ ત્યારપછી ત્યાગ અને વૈરાગ્યના માર્ગનો સ્વીકાર કરનાર નાયક-નાયિકાના પાત્ર દ્વારા પ્રવજ્યાનો (સંયમ)નો મહિમા ગાવાનો હેતુ હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org