________________
૨૧ ૨.
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા ઉપકારક આ કાવ્ય પ્રકારો, સાહિત્યસ્વરૂપ અને તેમાં વ્યક્ત થયેલા વિચારો ભાવની દૃષ્ટિએ અનન્ય છે. જ્ઞાન અને વૈરાગ્યનાં પદોની તુલનામાં આવી શકે તેવા આ પ્રકારો આધ્યાત્મિક માર્ગના વિકાસમાં સીમાસ્તંભરૂપ છે.
સંસ્કૃતના “સ્તુ' ધાતુ પરથી નામ તરીકે ઉપયોગમાં લેવાતો સ્તવન શબ્દ વિશેષ અર્થસૂચક છે. સામાન્ય રીતે સ્તુતિ કરવી કે ગુણગાન ગાવા એવો અર્થ આ ધાતુનો છે. જૈન કાવ્ય પ્રકારમાં અને સામાન્ય સ્તુતિ કરતાં પણ વિશેષ રીતે પ્રભુની સ્તુતિ, એમનાં ગુણગાન, એમનાં ગુણોનું વર્ણન, જીવનનો મહિમા, ચમત્કાર, જીવનનાં દુઃખ દૂર કરવામાં પરોક્ષ રીતે સહાયક પ્રભુ સ્વરૂપનું વર્ણન વગેરેનો મિતાક્ષરી પરિચય થાય છે.
સ્તવનના જુદા જુદા પ્રકારો છે. જૈન ધર્મના ૨૪ તીર્થકરોનાં સ્તવનો, આનંદઘનજી, પદ્મવિજય, દેવચંદ્રવિજય, જ્ઞાનવિમલસૂરિ, જશવિજય, શુભવિજય વગેરેનાં સ્તવનો પ્રચલિત છે. ઋષભદેવથી મહાવીરસ્વામી સુધીનાં ૨૪ સ્તવનો લખાયેલાં મળી આવે છે. ૨૪ સ્તવનોનો સમૂહ “ચોવીશી' નામથી પ્રચલિત છે. તિથિનો મહિમા અને આરાધના કરવા વિશેષના સ્તવનો રચાયેલાં છે. બીજ, પાંચમ, આઠમ, એકાદશી આ તિથિઓ વિશેષ મહત્ત્વની ગણવામાં આવે છે. આ દિવસની આરાધના કેવી રીતે કરવી અને માહિતી તથા આરાધના, ફળ અને આ ઉત્તમ દિવસનું માહાભ્ય સ્તવનમાં પ્રગટ થાય છે.
મધ્યકાલીન કવિઓએ આ કાવ્યને અંતે કર્તા તરીકે પોતાના નામનો ઉલ્લેખ કર્યો છે તે પરંપરા જૈન કવિઓએ અપનાવી છે. સ્તવનની છેલ્લી ગાથાની અંતિમ પંક્તિમાં રચયિતા મુનિનું નામ હોય છે. મોટાભાગની આ રચનાઓ જૈન મુનિઓની છે. અપવાદરૂપ શ્રાવકોએ આવી રચનાઓ કરી છે. ઋષભદાસ, જિનદાસ, કેશવદાસ આવી રચનાઓ માટે વિશેષ ખ્યાતનામ છે. આ કાવ્ય પ્રકાર પદ સ્વરૂપને મળતો આવે છે. પદ્મવિજય મુનિરાજે ઋષભદેવના સ્તવનની અંતિમ પંક્તિમાં આવો ઉલ્લેખ કર્યો છે અને અન્ય સ્તવનોમાં પણ આજ અનુસરણ થયેલું છે.
પદ્મવિજય કહે એક સમય પ્રભુ પાળજે જિમ થાઉં અક્ષય અભંગ.” “જશ કહે ભમર રસિક હોઈ તામેં.”
સુવિધિનાથના આ સ્તવનમાં “જશ' શબ્દ દ્વારા ઉપા. જશવિજયજી રચયિતા છે, એમ સમજી શકાય છે. સ્તવન, સજઝાય, સ્તુતિ અને પૂજા આ ચારેય કાવ્ય પ્રકારોમાં આવાં નામનો ઉલ્લેખ થયેલો જોઈ શકાય છે. પૂજામાં નામ નિર્દેશની સાથે ગુરુનું નામ, ગામ, વરસની પણ માહિતી મળી આવે છે એટલે અન્ય સ્વરૂપો કરતાં પૂજાની આટલી વિશિષ્ટતા છે.
ભગવાન એ પરમતારક છે. દેવોના પણ દેવ છે એના પ્રભાવથી સર્વ અનિષ્ટો ટળે છે અને ઐહિક સુખ મળે છે. પણ આ ઐહિક સુખ એ શાશ્વત સુખ નથી. આત્મ-સુખ, શિવસુખ એ શાશ્વત છે. પરદુઃખભંજક, કૃપાનિધાન, દયાળુ, અનાથનો નાથ જેવા વિશેષણોથી પ્રભુની સ્તુતિ કરવામાં આવે છે. ભગવાન એ જ આધાર છે. પ્રભુની સાથે સ્નેહ બંધાય પછી કાંઈ બાકી રહેતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org