________________
( ) છોડો ) ) છોડો) ) ) ) છો))))))))
ખભે બેસાડી મુકુન્દને એની નિશાળ પાસે લઈ ગયા અને કહ્યું, “સળગાવ તારી નિશાળ” અને વેન્ટિલેટરની નજદીક લઈ જઈ સળગતો કાકડો આપી કહ્યું,
“નાખ અંદર ઝડપથી...”
મુકુન્દને ખબર નહોતી કે આ બધું શું કરાવે છે? પણ બધું કામ સાથે કરતા હોઈએ એટલે મોટા કહે તેમ કરવું. ઝાઝો વિચાર કરવાનો નહીં. વળી ઠેર ઠેર ‘આઝાદી’ માટે આવું થતું સાંભળ્યું હતું એટલે સારું શું ને ખોટું શું એનું ભાન નહીં.
કાકડો નાખ્યા પછી બધા એવા ભાગ્યા તે ભાગ્યા – ઘડીક શું થયું એની કોઈને ખબર ન પડી.
પછી કોઈકે ફોન કર્યો કે “નિશાળ સળગી છે” એટલે બંબાવાળા આવ્યા. એ પછી શું થયું એની કશી ખબર ન પડી.
ચોતરફ આઝાદી માટેનો લોકજુવાળ જાગી ઊઠ્યો હતો. ૧૯૪૨માં લોકઆંદોલન થયું. ગુજરાત કૉલેજમાં ધ્વજ લઈને જતા વિનોદ કિનારીવાળા તરફ પોલીસે બંદૂક તાકી. આઝાદીનો
આશક વિનોદ કિનારીવાળા નિર્ભય બનીને ઊભો રહ્યો. એ શહીદ થયો! એની વિરાટ સ્મશાનયાત્રા નીકળી. ચોતરફ લોકજુવાળ જોવા મળ્યો. આ યાત્રામાં મુકુન્દ પણ જોડાયો હતો. આઝાદીના દિવસોમાં સહુમાં સરફરોશીની તમન્ના હતી.
મુકુન્દમાં જેમ જેમ સમજ આવતી ગઈ તેમ તેમ દેશપ્રેમ અને રાષ્ટ્રીયતાના સંસ્કારો ઘૂંટાતા ગયા. એની સ્પષ્ટ સમજ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભદ્રની શાખામાં (૧૯૪૨) જવા લાગ્યા ત્યારે આવી. શાખામાં શરીર સશક્ત બનાવવા કસરતો કરાવવામાં આવતી અને મર્દાનગીભરી રમતો રમાડવામાં આવતી, રાષ્ટ્રપ્રેમ જાગ્રત થાય તેવા કાર્યક્રમો યોજાતા. સંગઠન હશે તો બધું થશે; આપણે હિન્દુઓએ એક-સંગઠિત થવું જોઈએ અને શિસ્તબદ્ધ રહેવું જોઈએ. આવા સંસ્કાર મળતા હતા, પણ એ સંપર્ક વધુ રહ્યો નહિ. વિધાતાએ મુકુન્દને માટે કંઈક જુદું જ નિર્માણ કર્યું હતું.