________________
ચંદ્રકપ્રદાન પ્રસંગે | હરિવલ્લભ ભાયાણીનું વક્તવ્ય
આદરણીય સૂર્યોદયસૂરિજી, શીલચંદ્રવિજયજી તથા સાધુ-સાધ્વીગણ, મુરબ્બી દલસુખભાઈ, ઉપસ્થિત શ્રોતાજનો,
આ સંમાન-સત્કાર માટે હું કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ શિક્ષણ સંસ્કાર નિધિના ટ્રસ્ટીશ્રીઓનો તથા તેના પ્રેરક આચાર્ય મહારાજ સૂર્યોદયસૂરિજી અને મુનિશ્રી શીલચંદ્રવિજયજીનો હૃદયપૂર્વક આભાર માનું છું. મુ. દલસુખભાઈ જેવા ઋષિકક્ષ વિદ્વાનની સાથે આ અવસરમાં મારે જોડાવાનું થયું છે તેને પણ હું મારું અનન્ય સદ્ભાગ્ય સમજું છું. હું ૨૮ વરસથી અમદાવાદમાં વસું છું. અઠવાડિયાનો એક કલાક પણ દલસુખભાઈને ચરણે બેસીને શીખવાનું મેં રાખ્યું હોત હું ક્યારનોયે દર્શનશાસ્ત્રના મહાપંડિત બની ગયો હોત. પણ એ સૂઝયું નહીં. સદ્ગત પુણ્યવિજયજી, જિનવિજયજી, સુખલાલજી વગેરેની પરંપરાના દલસુખભાઈ ઋષિસમા જ કહેવાય, કેમ કે ‘દર્શનાઋષિ અને ઉક્ત સૌ વિદ્વાનોએ પોતપોતાના સમયની વિદ્યાક્ષેત્રનું દર્શન કર્યું અને તેને સમૃદ્ધ કર્યું.
મારું વિદ્યાક્ષેત્રનું કાર્ય અત્યાર સુધી ચાલ્યું છે તે પરોક્ષપણે પ્રાચીન આચાર્યો અને સાહિત્ય સ્વામીઓ તથા અર્વાચીન વિદ્વાનો પાસેથી, તો પ્રત્યક્ષપણે જિનવિજયજી જેવા સાત્ત્વિક વિદ્યાગુરુઓની પાસેથી જે પ્રેરણા અને માર્ગદર્શન અને મળ્યા અને સદંતર મળતા રહે છે તેને આધારે જ ચાલ્યું છે. વળી સ્વજનો તથા સમભાવીઓની સતત સહાય અને સહકાર મને ન મળતાં હોત તો તે કેટલું શક્ય બનત એ સમજી શકાય તેમ છે. આથી એવો પ્રશ્ન સહેજે થાય કે જેને માટે મને સન્માન-સત્કાર મળી રહ્યા છે તેમાં ખરેખર મારું કર્તુત્વ કેટલું ગણવું? એક દષ્ટિએ જોઈએ તો પ્રચીન સાહિત્ય સંસ્કૃતિના સંશોધક અધ્યેતાનું કામ પિરસણિયાનું કામ છે. સામગ્રી ક્યાંકની, રસોઈ કોઈએ બનાવેલી, અમારા જેવા તે પીરસે. બહુ તો વાનગીઓ કેટલી આસ્વાદ્ય છે, કેટલીક પૌષ્ટિક કે પથ્ય છે તે બતાવીએ. આ કાર્યનો આદર થાય તેથી આનંદ થવો સ્વાભાવિક છે, પણ તેની સાર્થકતા તો નવી પેઢીને તેમાંથી પ્રેત્સાહન મળે તેમાં જ ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org