________________
૩૫
તો વ્યવહારુતાનો આશ્રય લેવો ખાસ જરૂરી બની જતો હોય છે. ભાયાણીસાહેબ ઘણાંબધાં કામો કરી શક્યા છે ને કરાવી શક્યા છે તે આ વ્યવહારુતાને કારણે એ સ્પષ્ટ છે. ઊગતા અભ્યાસીને તો ભાયાણીસાહેબની આ વ્યવહારુતા ઘણી ઉપકારક બની છે. એમની યત્કિંચિત્ શક્તિનો ઈષ્ટ લાભ લઈ શકાયો છે. વિદ્વત્તાનાં ઊંચાં ધોરણોની સાથે વ્યવહારુતાનો મેળ ભાયાણીસાહેબે બેસાડ્યો છે, એમ કહેવું હોય, તો કહી શકાય એવું છે. પણ વિદ્વત્તાનાં ઘણાં કાર્યો જલદીથી ફરીફરીને થતાં નથી હોતાં, તેથી એમને અમુક તબક્કે લાવવાં જરૂરી હોય ને એ માટે ખર્ચવા જોઈતા સમય-શ્રમનો સંકોચ કરવો યોગ્ય નથી હોતો. આ બાબત ગુજરાતમાં કોઈ સમજી શકે તો ભાયાણીસાહેબ જ સમજી શકે. એટલે વિદ્યાકાર્યનાં ધોરણોની સાચવણી માટે એ પૂરા જાગ્રત અને સક્રિય રહે એમ ઇચ્છવાનું મન થાય છે.
ધોરણોની સાચવણી માટે સક્રિય બનવું તે કેટલીક વાર સંઘર્ષમાં ઉતરવા બરાબર બની જાય. વિરોધનો ઝંડો ફરકાવવો પડે, અસહકારનો માર્ગ લેવો પડે. ભાયાણીસાહેબના સ્વભાવમાં આ હોય એવું જણાતું નથી. એ સંઘર્ષના કાયર છે, અથવા કહો કે ક્લેશભીરુ છે. જાહેરમાં કશાની તીવ્ર આલોચના તેમણે કરી હોય કે કશા પરત્વે એમણે પોતાની નિર્ણાયક અસંમતિ દર્શાવી હોય, એ અક્કડ થઈને ઊભા રહ્યા હોય એવુંવિરલ અપવાદ રૂપે જબન્યું છે. સામાન્ય રીતે, સંઘર્ષ કરવાની જરૂર હોય ત્યાં એ મૂંગા રહીને ખસી જાય છે કે સમાધાન સ્વીકારી લે છે અને મિત્રો તથા સ્નેહીઓને તો એ ખાસ સાચવી લે છે. એમને અગવડ પડે એવું એ ભાગ્યે જ કરે છે. કેટલીક બાબતો એવી હોય છે કે જેમાં ભાયાણીસાહેબનો અવાજ જ નિર્ણાયક બની શકે, એ આગ્રહ રાખે તો ઈષ્ટ પરિણામ લાવી શકે, ભલે એ માટે થોડોઘણો કલેશ વહોરવો પડે. એ નથી થતું ને ખોટા, ખરાબ નિર્ણયોમાં એ ભાગીદાર થતા દેખાય છે. તેથી મારા જેવા લડાયક માણસને અફસોસ રહે છે, પણ બીજી બાજુથી હું જોઈ શકું છું કે ભાયાણીસાહેબના સ્વભાવમાં રહેલી આ કલેશભીરુતા અને સમાધાનશીલતાએ એમને વિવાદાસ્પદતાની સીમાની બહાર રાખ્યા છે, વ્યાપક રીતે સ્વીકાર્ય બનાવ્યા છે અને બહોળા સંબંધો સંપડાવી આપ્યા છે, જેને કારણે ભાયાણીસાહેબ અનેક વિદ્યાપ્રવૃત્તિઓના પ્રવર્તક અને સહાયક બની શક્યા છે ને એમને પોતાને હાથે તથા એમની પ્રેરણા ને સહાયથી થયેલાં વિદ્યાકાર્યોનો સરવાળો ઘણો મોટો થાય છે. મારા અફસોસનું જાણે સાટું વળી જતું હોય એમ મને લાગે છે.
ભાયાણીસાહેબ સંઘર્ષભીરુ ભલે હોય, એ વાદપ્રતિવાદના ભીરુ નથી. એક સ્વતંત્ર વિચારકનું તેજ એમનામાં છે. જ્ઞાનગોષ્ઠિઓમાં એ પ્રશ્ન કરતા, પ્રતિવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org