________________
એમના મનમાં એક વાત ચોક્કસ સ્થિર થઈ હતી કે, “દીક્ષા લેવી, અને તે સૂરિસમ્રાટ પાસે જ, બીજે નહિ.'
બોટાદમાં દેસાઈ કુટુંબના અમૃતભાઈ (પૂ.આ. શ્રીવિજયામૃતસૂરીશ્વરજી મહારાજ) નરોત્તમથી ઉંમરે મોટા હતા. એમની પણ દીક્ષાની ભાવના હતી. એ પણ સૂરિસમ્રાટ પાસે જ દીક્ષા લેવાના વિચારના હતા. નરોત્તમ “કરવું એ કરવું, એમાં ઝાઝી લપછપ ના રાખવી,' એવા વિચારના હતા અને, “ભાગ્યશાળીને ભૂત રળે એમ નરોત્તમને એમના માર્ગમાં એક પુષ્ટ આલંબન પણ મળી ગયું. એક સાધ્વીજી હતાં. સુમતિશ્રીજી એમનું નામ. એમનાં એક શિષ્યા સાધ્વીજી, વિખ્યાત વૈદ્યરાજ શ્રી ઈશ્વર ભટ્ટ પાસે વિજયપ્રશસ્તિ મહાકાવ્ય ભણતાં, અને એ માટે તેઓ બોટાદ રહેલાં. એ સાધ્વીજીને નરોત્તમ તરફ ઘણું હેત. એમને કાગળ લખવો હોય તો નરોત્તમને બોલાવે, ને એની પાસે લખાવે. બીજું કાંઈ કામ હોય તો તે પણ નરોત્તમ પાસે જ કરાવે. નરોત્તમને પણ એમના પર એવું જ હેત. એ એમને “મા” જેવા ગણતા. એમનું બધું કામ ખૂબ હોંશથી કરી આપે.
એ સાધ્વીજીને નરોત્તમ પોતાના મનની બધી વાત કરે. પોતાની દીક્ષા લેવાની ભાવના પણ ત્યાં વ્યક્ત કરે. એ માટે પોતે ક્યારે શું કરવા વિચારે છે, એ પણ એમને જ કહે. દીક્ષાની ભાવના થયા પછી દીક્ષા લેતાં સુધી જે જે પ્રવૃત્તિ કે વિચાર કરે, એ બધું આ સાધ્વીજીને ખૂબ સરળભાવે કહી દે, ને પછી જે કરવું હોય તે કરે.
આ સાધ્વીજીએ એમને એકવાર કહેલું: “તું ઉદયવિજય મહારાજનો ચેલો થજે. એ નાના છે ને બહુ વિદ્વાન છે.”
એ વખતે નરોત્તમે દીકરાને પોતાની મા ઉપર હોય, તેવી શ્રદ્ધાથી હા પાડેલી.
પણ, એક વાત ચોક્કસ હતી કે, દીક્ષાની વાત ઘરમાં ઉચ્ચારાય તેમ ન હતું. અને ઘરેથી આ માટે રજા મળે , એ તો આકાશકુસુમ જેવી વાત હતી. ત્યારે કરવું શું?
આમ ને આમ બે-અઢી વરસ વહી ગયાં. નરોત્તમના સ્વભાવની એક ખાસિયત એ હતી કે, પોતાને જે સારું ને સારું લાગ્યું, તે પ્રાણાતે પણ છોડવું નહિ; પૂરું કરીને જ ઝંપવું.” આ ખાસિયત એમના છેલ્લા શ્વાસ સુધી ટકી રહી. અને એ ખાસિયતે જ્યારે બળવો પોકાર્યો, ત્યારે તેમનાથી ન રહેવાયું. તેમણે મનોમન નિર્ણય કર્યો: ‘ભાગી છૂટવું !”
આ નિર્ણયની સાથે જ એ તપાસ આદરી કે, સૂરિસમ્રાટ અત્યારે ક્યાં છે? સં. ૧૯૬૯ના એ વર્ષે સૂરિસમ્રાટ કપડવંજ હતા. પણ એ વાતની ખબર શી રીતે પડે? ગામમાં કોઈકને ત્યાં ટપાલ આવે ત્યારે જ ખબર પડે. એટલે નરોત્તમ ટપાલની રાહમાં રહ્યા.
એ આતુરતા ય ફળી. ક્યાંક ટપાલ આવી, ને ખબર પડી કે સૂરિસમ્રાટ કપડવંજ છે. ખબર પડી કે નક્કી કર્યું. એ જ રાતે સાહસ કર્યું. રાતની ટ્રેનમાં ભાગી છૂટ્યા. કઈ ગાડીમાં ક્યાં જવાય એની બહુ ખબર નહિ, એટલે જે ગાડી જતી જોઈ એમાં તેઓ ચડી બેઠા. સવારે છ વાગે વીરમગામ આવ્યું. ત્યાં બીજી ગાડીમાં ચડીને નડિયાદ ગયા. હવે ત્યાંથી કપડવંજ શી રીતે જવું? - એ વિમાસણ થઈ.
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org