SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ આમ સૌનો આગ્રહ હતો. આની સામે એમની પણ ભાવના પ્રબળ હતી, પણ તબિયતથી પરવશ હતા. સૌનો જેવો આગ્રહ એમના માટે હતો, તેવો જ શ્રી વિજયોદયસૂરિજી મહારાજ માટે પણ હતો. અને બેમાંથી એકે તો અવશ્ય હાજર રહેવું જ જોઈએ. એટલે શ્રી વિજયોદયસૂરિજી મહારાજે ફાગણ માસમાં અમદાવાદ તરફ વિહાર કર્યો. સંમેલનનું શુભ મુહૂર્ત એ બંને આચાર્યદેવોએ ફાગણ વદ બીજ અને છઠ્ઠનું આપેલું. પણ શ્રી વિજયોદયસૂરિજી મહારાજ તથા બીજા શ્રી ચન્દ્રસાગરસૂરિજી મહારાજ વગેરેને આવી પહોંચવામાં વિલંબ થાય તેમ હોવાથી તે મુહૂર્ત મુલત્વી રાખી નવું મુહૂર્ત રાખવાનું નક્કી થયું. શ્રી વિજયોદયસૂરિજી મહારાજનો વિહાર થઈ ગયો એટલે સૌને લાગ્યું કે હવે શ્રીવિજયનંદનસૂરિજી મહારાજ નહીં જ પધારે, છતાં સાચા દિલની લાગણીવાળા ભાવિકો વિનંતી કરતા અટક્યા નહિ. આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજીએ જનતાની વ્યાપક લાગણીને વાચા આપતાં લખ્યું: “અહીંના સાહજિક વાતાવરણનો પડઘો આપને મારે પહોંચાડવો જોઈએ એ દૃષ્ટિએ આપની સેવામાં એક અરજ કરું છું, જ્યારથી આપના અહીં આગમનના અભાવના સમાચાર સંભળાતા રહ્યા છે, ત્યારથી સાધુગણમાં સહજભાવે અસંતોષ રહ્યો છે. અને ધીરે ધીરે સૌને આપનો અભાવ ઘણો જ સાલે છે. અલબત્ત, અહીં ગુરુ મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી ઉદયસૂરીશ્વરજી મ. પધારી રહ્યા છે અને સર્વ રીતે સમર્થ છે, તે છતાં આપનું તેજ, પ્રભાવ, વિચારણાઓ ગાંભીર્ય ભરેલી હોઈ સૌને આપની હાજરીની આવશ્યકતા લાગે જ છે. સૌમાં હું બાકાત તો નથી જ. અલબત્ત, જો શક્ય હોય, આપની પ્રકૃતિને કષ્ટ તો જરૂર પડશે, તે છતાં આપની હાજરી અહીં સમેલન પ્રસંગે અનિવાર્ય રીતે આવશ્યક છે. તો મારી તો આપને સવિનય હાથ જોડીને વિનંતી છે કે આપ જે રીતે ઉચિત ધારો તે રીતે પણ અહીં પધારો અને તે આપને અને સૌ શ્રીસંઘને લાભદાયી નીવડશે. આપ જ્ઞાનીવરને વિશેષ તો લખવાનું શું હોય? આપશ્રી સ્વયં દેશ-કાળ–આગમજ્ઞ છો. જો કે અહીં શાસ્ત્રોની ચર્ચાઓ ઉકેલવાની નથી, અને એનો પાર પણ ન આવે; તે છતાં આપની પ્રતિભામાંથી શ્રીસંઘને જે વ્યાપક માર્ગદર્શન મળશે,તે વિશિષ્ટ જ હશે–એવો મારો નહિ, અનેક વ્યક્તિઓનો વિશ્વાસ છે.” વકીલ છોટાલાલ ત્રિકમલાલ પરીખે વિનંતીપત્રમાં લખ્યુંઃ “આપના સિવાય જરા પણ ચાલી શકે એવું નથી. એટલે હું અને સર્વે એમ ઈચ્છીએ છીએ કે આપે ગમે તે અગવડ–સગવડે પણ આવવાની ખાસ જરૂરિયાત છે.” મુંબઈથી શેઠ હીરાલાલ પરશોત્તમદાસ, શેઠ ભાઈચંદ નગીનદાસ, શેઠ કેશવલાલ બુલાખીદાસ, શા. શાન્તિલાલ મગનલાલ અને શ્રી મોહનલાલ દીપચંદ ચોકસી એક સંયુક્ત પત્રમાં લખે છે : “વાતાવરણ જોતાં અને જે મહત્ત્વનું કાર્ય શાસન–શ્રેયના અંગે કરવાનું છે એ વિચારતાં કોઈ પણ પ્રયત્ન આપશ્રીની હાજરીની ખાસ આવશ્યકતા છે. જૈન સમાજની નજરે અને આપનું માર્ગદર્શન જે સમુદાય સ્વીકારે છે એ સર્વની દષ્ટિએ આપની હાજરીની ખાસ જરૂર છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibre.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy