________________
પ્રાસ્તાવિક
વાત છે વિ. સં. ૨૦૩૫ના ઉનાળાની. અમદાવાદ-પાલડી ઑપેરા સોસાયટીના ઉપાશ્રયમાં ખરા બપોરે પંડિતશ્રી અંબાલાલ પ્રેમચંદ શાહ આવ્યા. બે વાગ્યાના સમયે આવી ગરમીમાં!' આવું હું બોલું તે પહેલાં તો તેમણે મારી પાસે એક ફૂલ્સકેપ સાઇઝની ફાઇલ અને ફોટોપ્રિન્ટ મૂકી દીધાં, ‘આ આપના માટે છે.'
‘શું છે?' જોયું તો ‘ચન્દ્રલેખા'નું મેટર અને તેની પોઝિટિવનાં પ્રિન્ટ હતાં.
એ આપતી વખતે તેમનો ભાવ-સદ્ભાવ અને આગ્રહ એવો હતો કે મારે બોલવાની કશી જગ્યા જ ન રહી.
કહે કે, ‘પ્રેમથી જ આપું છું. મારાથી હવે કાંઈ થાય તેમ નથી. પૂજ્યપાદ આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજે આપ્યું હતું અને મેં હોંશથી લીધું હતું. પણ મારાથી થયું નહિ. આપ કરી શકશો એ આશાએ આપને આપવા આવ્યો છું.' આપીને તેઓ તો ગયા અને મેં તે બાંધીને મૂકી રાખ્યું.
વિ. સં. ૨૦૪૩માં નવસારી ચોમાસું કરી ડભોઈ થઈ અમે વડોદરા ગયા ત્યાં શ્રી ભોગીભાઈ સાંડેસરા મળ્યા. સંશોધનયોગ્ય ગ્રન્થોની વાત નીકળી. કહે કે ‘ચન્દ્રલેખા'નું કામ તમે કરો.
મને આમાં કાંઈક સંકેત લાગ્યો. એક તો પૂજ્યપાદ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજનું ત્રિશતાબ્દી વર્ષ ચાલતું હતું. અને તેના જ અન્વયે તેઓના પાવન પરમાણુથી પવિત્ર સ્થાન ડભોઈમાં ત્રેવીશ દિવસ રહીને એ જંગમ તીર્થભૂમિના ગામની બહાર દોઢ કિ.મી. દૂર સ્થળની પચ્ચીસ યાત્રા કરી હતી અને તેઓની કૃપાનો સ્પર્શ પામ્યો હતો.
ડભોઈથી અખાત્રીજે સાંજે વિહાર કર્યો અને પાંચમે અમે વડોદરા પહોંચ્યા. અને શ્રી ભોગીલાલ સાંડેસરાએ આ પ્રેરણા કરી.
‘નિશીથચૂર્ણી’નું વાચન પૂરું થવામાં હતું. નવા કોઈ સ્વાધ્યાયસંશોધનના વિષયની શોધમાં હતો. અને આ સૂચન મળ્યું. વાત ગમી. જોકે કામ મુશ્કેલ હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org