________________
જ્ઞાનની પરખ અને પ્રાપ્તિ ૨૧
એમ કહી શકાય કે મનની પકડમાંથી-વાસના અને વિકારોથી-ઉત્તરોત્તર વધુ ને વધુ મુક્ત થતા જવું એનું જ નામ સાધનામાં કે જ્ઞાનપ્રાપ્તિમાં પ્રગતિ; અને મનની પરવશતામાંથી પૂર્ણ મુક્ત થઈ જવું એ છે મુક્તિ અર્થાત્ જ્ઞાનની પૂર્ણતા.
પાગલ માણસ અને કેવળજ્ઞાનીમાં જે ફરક છે તે એ જ કે પાગલ માનવી મનનો નચાવ્યો નાચે છે, જ્યારે કેવળી મનથી સાવ મુક્ત છે. પાગલ તેના મનના તરંગને અધીન વર્તે છે. ખાતાં ખાતાં એના મનમાં નાહવાનો તરંગ ઊઠયો તો એ હાથમાંના કોળિયાને સાબુની જેમ શરીર ઉપર ઘસવા બેસી જશે. તે વ્યાખ્યાન સાંભળવા બેઠો હશે ને એના મનમાં વ્યાખ્યાન આપવાનો તરંગ ઊઠયો તો એ ઊભો થઈને બોલવા માંડશે. આથી, એનું જીવન યોજના, તર્ક કે વિવેકશૂન્ય બની રહે છે. કેવળજ્ઞાનીને મન ઉપર સંપૂર્ણ આધિપત્ય છે. અનુત્તરવાસી દેવોની શંકાનું સમાધાન કરવા પૂરતું જ એ (કેવળી) મનનો ઉપયોગ કરે છે. સામાન્ય માનવીની સ્થિતિ પાગલ અને કેવળી એ બેની વચ્ચેની છે. તે મનના તરંગ પ્રમાણે જ નાચતો નથી, તેમ મનના તરંગોને તે રોકી પણ શકતો નથી; પણ ઓછેવત્તે અંશે પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને તે પ્રવૃત્તિ કરે છે. સાધક મનથી ઉપર ઊઠવા પ્રયત્નશીલ રહે છે. મનથી એ જેટલો ઉપર ઊઠયો હોય તેટલી એની પ્રગતિ થઈ લેખાય.
એની એ પ્રગતિના ત્રણ તબક્કાનો નિર્દેશ મનોગુપ્તિની પૂર્વોક્ત ત્રણ કક્ષાઓમાં છે. એનું પૃથક્કરણ કરતાં એ સ્પષ્ટ થાય છે કે,
૧. સ્વાર્થવૃત્તિ ખસે ત્યારે વિકાસનું પ્રથમ પગથિયું સર થાય; ૨. મધ્યસ્થવૃત્તિ, પરમતસહિષ્ણુતા અને સમત્વ ખીલે ત્યારે બીજું પગથિયું ચડાય; અર્થાત્ બાહ્ય જગતની વિવિધ પરિસ્થિતિઓ અને પરિવર્તનોને તથા બીજાઓનાં વિચાર-વાણી-વર્તનની ક્ષતિઓને તટસ્થભાવે સમતા અને સહાનુભુતિપૂર્વક જોવાની ક્ષમતા પ્રાપ્ત થાય ત્યારે આત્મવિકાસની બીજી કક્ષા પાર કરી શકાય;
૩. ત્રીજું પગથિયું છે તૃપ્તિનું. બાહ્ય જગતમાં ‘કંઈક થવું છે’ કે ‘કંઈક મેળવવું છે’ એવી કામનાઓથી ઉપર ઊઠી, આત્મતૃપ્ત-આત્મક્રીડ – આત્મલીન બનેલા સાધકની આ કક્ષા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org