________________
૩૦૬ | આત્મજ્ઞાન અને સાધનાપથ
આત્મદર્શનની સ્વયંસ્ફુર્ત ઝંખના, સંતોને ઉપલબ્ધ આત્મિક આનંદનો પોતાના જીવનમાં અનુભવ કરવાનો તલસાટ કે દેહભાવથી ઉપર ઊઠીને આત્મભાવમાં ઠરવાની ઉત્કંઠા હૈયામાં જાગી ચૂક્યાં હોય, અથવા પરમાત્માની સ્તુતિ વગેરે કરતાં, સંતોનાં દર્શન કરતાં, કોઈએ સિદ્ધ કરેલા ઉચ્ચ આધ્યાત્મિક ગુણવિકાસની વાત સાંભળતાં કે સંતોના જીવનપ્રસંગો વાંચતાં-સાંભળતાં રોમાંચનો અનુભવ થતો હોય, આંખો ભીની થઈ જતી હોય, આંસુ ઊભરાઈ આવતાં હોય કે ડૂસકાં ખાઈ જવાતાં હોય, તો સમજવું કે માંહ્યલો આ પથે જવા તલસે છે. કોઈ બાહ્ય નિમિત્ત વિના ઘરની, ધંધાની તેમજ બાહ્ય વ્યવહારની સર્વ પ્રવૃત્તિમાંથી રસ ઊડી જાયજીવનનો સઘળો વ્યવહાર પોકળ, અર્થહીન, શુષ્ક ભાસે-ત્યારે તે વ્યક્તિએ સમજવું કે પૂર્વે-આ જન્મમાં કે જન્માંતરમાં-તેણે આ માર્ગે કંઈક પંથ કાપ્યો છે અને તેની સાધના જયાં આવીને અટકી છે ત્યાંથી આગળ વધવાનો સંકેત તેના અચેતન મનમાં ઝિલાયો છે; આજે હવે, જાગૃત મન દ્વારા અંત:સ્થ પરમાત્માનો એ સંકેત ઝીલી લઈ, તેણે પોતાની બીજી ઇચ્છાઓ અને આકાંક્ષાઓનો કોલાહલ શમાવી દઈને નિષ્ઠા, આશા અને ઉત્સાહપૂર્વક આ પંથે આગળ વધવું ઘટે.
મુક્તિપથિકનું ભાથું : શ્રદ્ધા, પુરુષાર્થ, અખૂટ ધૈર્ય
ઉત્સાહ, આશા, નિષ્ઠા અને ધૈર્ય : યોગમાર્ગના પથિકની આ આવશ્યક મૂડી છે. ધ્યેયસિદ્ધિ પૂર્વે તેણે લાંબો પંથ કાપવાનો રહે છે. ઇશારો મળે, પગ ઉપાડીએ અને આત્મપ્રસાદ ઉપલબ્ધ થઈ જાય એવું ભાગ્ય તો કોઈકનું જ હોય. સામાન્યત: તો આ માર્ગે આજન્મ સાધના કરવી પડે છે. એટલે ધ્યેયસિદ્ધિમાં થતા વિલંબથી કે વચ્ચે ઉપસ્થિત થતાં વિઘ્નો અને અવરોધોથી વિચલિત થયા વિના સાધનાને દઢતાપૂર્વક વળગી રહેવા માટે અચળ શ્રદ્ધા અને અખૂટ ધૈર્યનું ભાથું સાધક પાસે હોવું જોઈએ.
શ્રી મકરંદ દવે સમક્ષ પોતાની સફળતાનું રહસ્ય છતું કરતાં આપણા સમકાલીન એક સાધકે કહ્યું છે કે “એક દિવસમાં તો આવી ઘટના નથી બની જતી. એને માટે વરસોની શાંત, ધીમી પણ દઢ તૈયારી ચાલતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org