________________
પરિશિષ્ટ : સિદ્ધિના આતશની અંગ દઝાડતી રાખ ૨૯૭ સિવાય મારી કને બીજું કંઈ હતું જ નહિ. લોકો ચાપાણી કે નાસ્તાની લાલચ આપી મને બોલાવી જતા. આ ટાણે ગાયન ગવરાવવા માટે પૈસા આપવા પડે એ વાત જ લોકોએ સ્વીકારી નહોતી. એક દિવસ લાગ જોઈને મેં વીજળીને કહ્યું : “ચાલ, આપણે પરણી જઈએ!' એ કહે : “શાની ઉપર પરણી જઈએ? મને તો દોમદોમ સાહ્યબી જેને આંગણે હોય એવા વરના કોડ છે, અને તું તો છો ઠાલી મફતની ગાનતાનની હાટડી માંડીને બેઠેલો મુફલિસ! તું કંઈક કરી બતાવ કે જેથી તારા પગમાં લક્ષ્મી આળોટતી આવે અને મારો બાપ ધામધૂમથી મને તારી સાથે પરણાવે.'
“વીજળીના બાપને કાને પણ વાત ગઈ હશે. એણે મને બોલાવીને ધમકાવ્યો. કહ્યું : ‘અલ્યા, મોહનિયા! તારી આ મજાલ? બેચાર ગીત ફટકાર્યાં અને વરણાગીવેડા કર્યા એટલે જ્યાંત્યાં નજર નાખતો થઈ ગયો, માળા રખડુ! પૂજારીનો દીકરો જાણીને આજે તો જવા દઉં છું, પણ ફરી વાર આ દિશામાં ફરકયો તો ટાંટિયો જ તોડી નાખીશ!'
‘આ અપમાન મને હાડોહાડ લાગી ગયું. વીજળીને છેલ્લી વાર મળીને મેં કહી દીધું : ‘જોજે, એક દિવસ ધનની ઢગલાપોઠ લઈને તારા બાપને આંગણે તને ઉપાડી જવા ન આવું તો મને ફટ કહેજે! પછી બોલ્યું પાળજે. ફરી જતી નહિ.' વીજળી કહે : ‘ત્યારની વાત ત્યારે, એનું અત્યારે શું છે? ત્રણ વરસ તારી રાહ જોઈશ એ ચોક્કસ.'
“ધનના ઢગલા હું ક્યાંથી લાવવાનો? અને છતાં, આ વેણ પણ મેં અકારણ નહોતાં કહ્યાં. આવનજાવનમાં રેલગાડીમાં એક કૌતુકવાળો આદમી દીઠેલો. બાંધી દડી. મજબૂત બાંધો. ડોકમાં રૂપાનો કંઠો પહેરે. દાઢી મેંદીથી રંગીને બંને બાજુ વાળેલી. કેડે ભેટ બાંધે. માથે ફદરડા જેવી આંટાવાળી પાઘડી. હાથમાં રૂપાનો હોકો ને લાકડી. એને જોઈને લોકો એકબીજાના કાન કરડવા માંડ્યા. એટલામાં ટિકિટચેકર આવ્યો. ટિકિટ જોવા માગી. પેલાએ તો ટીનના ડબલામાંથી ખોબો ભરીને ટિકિટો કાઢી. કહે, ‘આમાં ક્યાંક ટિકિટ હોય તો હોય! જોઈ લ્યો.' ટિકિટચેકર ઓળખીને હાથ જોડીને કહે : “બાપલા, ભૂલ થઈ ગઈ. તમારી તે વળી ટિકિટ જોવાની હોય?' પછી તો એ ફકીર જેવા માણસે દાઢીમાં હાથ ફેરવી ફેરવીને ભાતભાતની જણસો માંડી કાઢવા. “અરે, આ તો બાપુ મહમ્મદ છેલ છે!' એવું એક નામ આખા ડબામાં રમતું થઈ ગયું. ત્યારથી મને થયું જિંદગીમાં શીખવા જેવું અને સાધવા જેવું કંઈ હોય તો તે આ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org