________________
પરિશિષ્ટ : સિદ્ધિના આતશની અંગ દઝાડતી રાખ ૨૯૫
બ્રિજમોહને ભાખેલી અગમનિગમ જેવી વાતો અક્ષરેઅક્ષર સાચી હતી. તારની વિગત એણે જાહેર ન કરી એટલો એનો આભાર. એ પછી તો મને બ્રિજમોહનનું ઘેલું લાગ્યું. મારે બનારસમાં એક મહિનો રોકાવાનું હતું. રોજરોજ એની સાધના વિશે સવાલો કરું, પણ વાત એ હસીને ટાળી દે.
એક દિવસ તો પાસવાન પાસે સરનામું મેળવીને પહોંચ્યો એને ઘરે. બ્રિજમોહન દરવાજામાં રાહ જોઈને જ ઊભા હતા. કહે : “મને ખબર હતી કે તમે આ સમયે આજે આવશો!” અંદર જઈને નજર કરી. જે જોયું એથી અજંપો થઈ આવ્યો. ક્યાં બહાર ઠાઠમાઠથી ફરતા બ્રિજમોહનની આકર્ષક છટા અને ક્યાં આ ભૂખડીબારસ જેવું એનું રહેઠાણ! નકરું ખંડેર જોઈ લ્યો. ક્યાંય જાણે કોઈ વસ્તુ જીવનના સૌંદર્યનું, પ્રેમનું, વ્યવસ્થાનું, ઇશ્કનું... અરે! જીવનરસનું પણ દર્શન કરાવતી હોય એવી ત્યાં જણાતી જ ન હતી. એક સાદી ચટાઈ ત્યાં પડી હતી. પાણીની એક માટલી, ખૂણામાં ચૂલો અને બેચાર તપેલી, થાળી વગેરે વાસણો. એ બધાં જ જાણે ઘરને ખંડેર જેવું છતું કરતાં હતાં. અમે બેઠા. દીવાલ પાસે હરિકેન ફાનસ ટમટમતું હતું એનું તેજ બ્રિજમોહનના મોં પર પડતું હતું. એના ગાલ પર તાજી આંસુની ધાર વરતાતી હતી. મને નવાઈ લાગી. થયું, આવો શક્તિશાળી સાધક; એને વળી દુખ શું હોઈ શકે? એની આંખોમાંથી વહેતી અપાર વેદનાએ મારી વાચાને જાણે હરી લીધી. - થોડી વારે મેં એને ધીમેથી કહ્યું : “બ્રિજમોહનજી, હું તમારી પાસે અત્યારે મોડી રાતે આવ્યો છું એક કામ માટે. તમે તે દિવસે જે તમારી અદ્ભુત શક્તિનો પરચો દેખાડ્યો એ વિશે મારે જાણવું છે. આ શક્તિ તમને ક્યાંથી મળી? અને બીજી એક વાત પણ છે. મને તમે એનો માર્ગ બતાવશો? હું એ માટે ગમે તે ભોગ આપવા તૈયાર છું. ગમે તેટલી કપરી ઉપાસના કરવા અને કસોટીએ ચડવા તૈયાર છે. આ વાતનો તાગ નહિ મળે ત્યાં સુધી મારા દિલનો કોલાહલ શાંત નહિ થાય. તમારી પાસે કોઈ ઈશ્વરી શક્તિ હોય તો એને કોઈને સોંપીને તમારે જવું જોઈએ. તમારી સાથે એ વાત ભોયમાં દટાઈ જાય અને વિલીન થઈ જાય એ પહેલાં તમારે કોઈ વારસદાર શોધવો જોઈએ. મને તમે અધિકારી માનતા હો તો શાગીર્દી બનાવો. ન માનતા હો તોપણ આ સાધનાનું થોડું રહસ્ય મને સમજાવો, જેથી મારા મનને થોડો પ્રકાશ લાધે.’
એમણે કહ્યું : ‘બાજુના મકાનમાં એક મહાન સંગીતવિશારદ રહે છે, ત્યાંથી મધુર રાગિણીના સ્વર આવી રહ્યા છે એ સાંભળો. બનારસના પ્રખ્યાત ગાયક લલ્લાજીનું એ ગળું છે.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org