________________
અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના/૨૨૩
જે માટે ઘરબારનો ત્યાગ કરીને ભગવાનનો ભેખ ધારણ કર્યો છે એ અંતરંગ સાધનાને નેવે મૂકીને, ‘શાસનપ્રભાવના'ના મોહક મહોરા હેઠળ લોકરંજનમાં વ્યસ્ત વર્તમાન ‘શ્રમણ’ની જીવનપ્રણાલીમાં ઘસડાતા રહેનાર સાધુ-સાધ્વીએ સમજવું રહ્યું કે તેની મુમુક્ષા કાચી છે; ઉત્કટ સંવેગવાળાને નિરર્થક વિલંબ પરવડતો નથી, દૃષ્ટિરાગ રાખવો પોષાતો નથી.
ટૂંકી અને સરળ પ્રક્રિયા કઈ?
‘આત્મદર્શનનો ટૂંકો માર્ગ બતાવો.’ ‘સાધનાની સરળ પ્રક્રિયા કઈ?' આવી માગણી અને પ્રશ્ન ઘણા જિજ્ઞાસુઓ તરફથી લેખક સમક્ષ અવારનવાર આવતાં રહ્યાં છે. ઓછી મહેનતે અને ટૂંકાગાળામાં ફળપ્રાપ્તિ કરી લેવાની લાલચ માણસ રોકી શકતો નથી. પરંતુ સાધકે એ સમજી લેવું ઘટે કે સાધનાનો કોઈ ટૂંકો માર્ગ નથી; તેમજ પદાર્થવિજ્ઞાન કે રસાયણશાસ્ત્રના પ્રયોગની જેમ, અમુક પરિણામ સુધી પહોંચવા માટે સૌને સ્વીકાર્ય કોઈ એક જ પ્રક્રિયા આધ્યાત્મિક ક્ષેત્રમાં આપી નથી શકાતી; કારણ કે બધા જ સાધકો એકસરખા પૂર્વસંસ્કાર કે સમાન માનસિક ઢાળવાળા હોતા નથી. ભિન્ન ભિન્ન પ્રકૃતિ અને પૂર્વસંસ્કારવાળી વ્યક્તિઓને કોઈ એક નિયત પ્રક્રિયા એકસરખી રુચિકર કે ઉપયોગી બનતી નથી. આથી હઠયોગ, રાજયોગ, ભક્તિયોગ, કર્મયોગ, જ્ઞાનમાર્ગ વગેરે અનેક સાધનામાર્ગો પ્રચલિત છે. તેમાંથી અહીં મુખ્યત: રાજયોગ અને જ્ઞાનયોગ પર આધારિત કેટલીક પ્રક્રિયાઓનો નિર્દેશ કર્યો છે. કર્મ, ભક્તિ આદિ અન્ય સાધનામાર્ગની રુચિવાળા સાધકોને આ પ્રક્રિયાઓ ન આકર્ષે એ સ્વાભાવિક છે. રાજયોગ અને જ્ઞાનયોગ પ્રત્યેના માનસિક ઢાળવાળા પણ બધા જ સાધકોને આમાંની કોઈ એક પ્રક્રિયા એકસરખી આકર્ષી ન શકે. ભિન્ન ભિન્ન રુચિ, સંસ્કાર અને પૂર્વતૈયારી અનુસાર તે તે સાધકોને જુદી જુદી પ્રક્રિયા અનુકૂળ જણાય છે. એથી, અમુક પ્રક્રિયા સારી છે, ટૂંકી છે, સરળ છે, એમ એકાંતે કહી શકાતું નથી. પોતાના પૂર્વસંસ્કાર અનુસાર સાધક અમુક પ્રક્રિયા પ્રત્યે આકર્ષાય છે અને તે તેને સરળ અને સીધી લાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org