________________
૧૯૬ આત્મજ્ઞાન અને સાધનાપથ
સામાન્યત: માનવી બાહ્ય જગતને જોવા-માણવામાં અને તેની દરેક પ્રવૃત્તિ દ્વારા તેને સુખ મળે, દુ:ખ દૂર હડસેલાય; એની યોજના-વિચારણા – ગડમથલમાં – ‘અહં અને મન'ની માયામાં – વ્યસ્ત રહેતો હોય છે, શ્વાસોચ્છ્વાસનું અવલંબન તેને તેના આંતર જગત પ્રત્યે-ચિત્તમાં ઊભરાતા વિકારો-વિચારો-વિકલ્પો – પ્રત્યે સભાન બનાવે છે. (આ સભાનતા શી રીતે આવે છે તે આનો પ્રયોગ કરવાથી સ્વાનુભવે સમજાશે.) શ્વાસોચ્છ્વાસના આલંબનની સાથે, શાંત-સ્વીકારનું વલણ ભળે છે ત્યારે વૃત્તિ-વિચાર સાથેનું તાદાત્મ્ય તૂટતું જાય છે. આથી, વિકારો અને વાસનાઓનાં મૂળ/ઉદ્ગમ અને કારણોને સાધક સમજતો/ઓળખતો થાય છે. આમ થતાં, વિકાર-વાસનાની તેના પરની પકડ છૂટતી જાય છે; અવચેતન ચિત્ત ચેતન ચિત્તમાં પલટાતું જાય છે. આથી, તે પોતાના જીવનના ઘટનાક્રમનો તટસ્થ પ્રેક્ષક જ બની રહે છે; પ્રાપ્તિની તૃષ્ણાને કે અભાવની આશંકાને કે અનિષ્ટ પરિવર્તનની ભીતિને પછી તેના ચિત્તમાં સ્થાન રહેતું નથી. આમ, સમત્વયુક્ત સભાનતાની સાથે શુદ્ધિ, શાંતિ, સ્વસ્થતા સ્વયં આવે છે.
અનુકૂળ પરિસ્થિતિનો અંત આવી જાય, પ્રતિકૂળતા દૂર ન થાય તોયે ખેદ/ગ્લાનિ નહિ, આકુળતા નહિ, પણ વર્તમાન પળે જે પરિસ્થિતિ હોય એનો સ્વસ્થતા સાથે સ્વીકાર આ વલણ જીવનમાં ક્રાંતિ લાવે છે. સ્વસ્થ-સ્વીકારના ભાવ સાથે જીવતી વ્યક્તિના જીવનમાંથી કડવાશ દૂર થઈ જાય છે. આ વલણવાળી વ્યક્તિનું સુખ બાહ્ય પરિસ્થિતિને અધીન નથી રહેતું. આથી પ્રબળ આર્ટ-રૌદ્રધ્યાનને એના ચિત્તમાં અવકાશ નથી મળતો. ગમા-અણગમાના પૂર્વસંસ્કારવશ જગત પ્રત્યે રાગ-દ્વેષયુક્ત પ્રત્યાઘાત ન પાડતાં તે વિવેકપૂર્વક વર્તવાનું પસંદ કરે છે. જીવનમાં બધું જ અનુકૂળ રહેવું/મળવું જોઈએ એવો આગ્રહ એને નથી રહેતો. કેટલુંક પોતાની અપેક્ષા ઇચ્છા રુચિ અનુસાર મળે બને, કેટલુંક પોતાને અરુચિકર અણગમતું અનપેક્ષિતયે બને; એ જ જીવનનો ક્રમ છે : આ સમજનું વરદાન એને મળતું હોય છે. એનો મુખ્ય પ્રયાસ પોતાના ગમા-અણગમામાંથી મુક્ત થવાનો રહે છે; સુખની પાછળ દોડવાનો અને દુ:ખથી દૂર ભાગવાનો નહિ.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org