________________
૧૭૮ | આત્મજ્ઞાન અને સાધનાપથ જન્મ વખતનું શરીર આજે. રહ્યું નથી, પણ શરીરનાં આ બધાં પરિવર્તન વચ્ચે ‘હું'ની પ્રતીતિ તો એકસરખી રહી છે. કદાચ કોઈ માંદગી કે અકસ્માતમાં માણસે હાથ, પગ કે કોઈ ઇન્દ્રિય ખોઈ દીધી હોય, પણ એની “હું'ની પ્રતીતિમાં એથી ન્યૂનતા આવતી નથી. અર્થાત “હું” નામનું તત્ત્વ શરીરથી અલગ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, શરીર એ હું નથી.
હવે, બચપણથી માંડીને આજ સુધીની તમારી ઇચ્છાઓ, આકાંક્ષાઓ અને લાગણીઓને પૂર્વવત્ તપાસો. તમે જોશો કે એ પણ બદલાતી રહી છે. તમારી કોઈ પણ એક અવસ્થાની લાગણીઓ અને હું એકરૂપ છે એમ તમે નહિ કહી શકો; કારણ કે જન્મથી આજ પર્યત હુંની પ્રતીતિ એકસરખી રહી છે, જયારે લાગણીઓમાં સતત પરિવર્તન થતું રહ્યું છે. હવે મનમાં ઊભરાતા વિચારો તરફ દષ્ટિ નાખો. તમે જોશો કે વિચારોની વણજાર ચિત્તમાંથી પસાર થઈ રહી છે. પળે પળે નવા નવા વિચારો ચિત્તમાં ઊઠે છે અને શમે છે. માટે વિચારો પણ હું ન હોઈ શકે. વળી, આપણી અંદર એવું કંઈક છે, જે અમુક વિચારોમાં પોતાની સંમતિ આપે છે, જયારે અમુક વિચારો પ્રત્યે નાપસંદગી દર્શાવે છે. વિચારપ્રવાહનું આ નિરીક્ષણ અને નિયંત્રણ કોણ કરે છે?
– આ રીતે, હું કોણ?” એ પ્રશ્નનો તાગ મેળવવા પ્રયત્ન કરો. અહીં આપેલા પ્રશ્નો તો માત્ર દિશાસૂચનરૂપ છે, આ રૂપરેખા અનુસાર સાધક પોતાની સ્વતંત્ર પ્રશ્નાવલી ઘડી શકે; પણ એ ધ્યાનમાં રહે કે એ પ્રશ્નોનો કોઈ શાબ્દિક જવાબ ન આપતાં, શરીર, લાગણી અને વિચારોને વટાવીને, ચેતનાને ઊંડે ઊતરવા દેવી.
અહીં સુધી આવ્યા પછી, નિર્વિચાર રહીને, આતુરતાથી હુંની પ્રતીક્ષા કરો. ‘આત્મવિચાર’ની પ્રક્રિયા એ માત્ર બૌદ્ધિક ચેષ્ટા નથી. વિચારો તો આત્મદર્શનમાં નડતરરૂપ છે, તેથી હવે કોઈ વિચાર ઊઠે તો તેમાં ભળ્યા વિના, અંતરમાં ઊંડે ઊતરી, એટલું પૂછો કે આ વિચાર કોને આવે છે? જે કંઈ વિચારો, વૃત્તિઓ, સ્મૃતિઓ, સંકલ્પ-વિકલ્પો ચિત્તમાં ઊઠે તેને આ પ્રશ્નથી ઠાર કરો; સાત્વિકતાના ઓઠા નીચે પણ કોઈ વિચારને ટકવા ન દો. જેવો વિચાર ઊઠે કે ફરી સાવધાન થઈને પૂછો કે એ વિચાર કોને ઊઠે છે? ઉત્તર મળે કે “મને ઊઠે છે' તો ફરી, “હું કોણ?' એ અન્વેષણ કરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org