________________
૧૬૬ | આત્મજ્ઞાન અને સાધનાપથ જયારે ખાસ કોઈ પ્રવૃત્તિમાં પરોવાયેલું ન હોય એવા બધા જ સમયેહાલતાં, ચાલતાં, બેસતાં, ઊઠતાં–આ અભ્યાસ ચાલુ રાખી શકાય. બહાર વીખરાયેલી રહેતી ચિત્તવૃત્તિને સમેટી લઈને અંદર વાળી લેવા માટે આ એક ઘણી સરળ પ્રક્રિયા છે. પણ પ્રારંભમાં તેનો અભ્યાસ ખૂબ ચીવટ અને જાગૃતિ માગી લે છે. ઉપર્યુક્ત રીતે શ્વાસોચ્છવાસ સાથે, ‘સોડહં' ને બદલે, ઇષ્ટદેવના નામને કે અન્ય કોઈ અલ્પાક્ષરી મંત્રને પણ સાંકળી શકાય. જૈન સાધકોને આ અભ્યાસ માટે ‘ગ નમ:' મંત્ર અનુકૂળ જણાશે.
શ્વાસોચ્છવાસ સાથે સાંકળ્યા વિના પણ, હાલતાં-ચાલતાં-સૂતાં-ઊઠતાંબેસતાં, અંત:કરણમાં મૌનપણે પરમાત્માના નામનું, ગુરુએ આપેલ મંત્રનું કે આત્મજાગૃતિમાં ઉપયોગી કોઈ એકાદ પદનું–તેના અર્થની ભાવનાપૂર્વક – ઉપર્યુક્ત રીતે, નિરંતર સ્મરણ-ચટણ-જપ કરવામાં આવે તો તેનાથી પણ મન:શુદ્ધિ સ્વત: થાય છે, અને દુષ્કર ચિત્તનિરોધ સરળ બને છે.
આ રીતે બેયની સ્મૃતિ સાધકના ચિત્તમાં સતત રમતી રહે છે અને નિરર્થક સંકલ્પ-વિકલ્પ, વાતચીત, ચર્ચા કે નિ:સાર પ્રવૃત્તિઓમાં તેનો સમય વેડફાતો બચે છે. સ્મરણ-રટણનો આ અભ્યાસ વધતાં તેનું ચિત્ત વધુ ને વધુ અંતર્મુખ થતું જાય છે. પરિણામે તેની અશુદ્ધિઓ આપોઆપ ખરી પડે છે. સાધક નમ્ર, નિર્દભ અને નિરીહ બનતો જાય છે. ઉત્તરોત્તર તેનું ચિત્ત અધિક નિર્મળ, શાંત, સ્થિર અને પ્રસન્ન થતું જાય છે.
કેટલાક સાધકોને શુદ્ધ ધ્વનિની મદદથી ચિત્તને કેન્દ્રિત કરવું સુગમ જણાય છે. એવી પ્રકૃતિના સાધકોને પૂર્વકાળના ઋષિમુનિઓ જંગલના નીરવ વાતાવરણમાં ખળખળ વહેતા કોઈ ઝરણા પાસે બેસી તેનું મૃ૬ સંગીત સાંભળવાનો આદેશ આપતા. ચિત્ત સતત એક ધ્વનિના શ્રવણમાં પરોવાતાં એકાગ્ર અને શાંત થતું જાય છે. જંગલની નીરવ શાંતિ ન મેળવી શકનાર આજના યુગનો માનવ રાત્રિની નીરવતામાં, મંદ ગતિએ ફરી રહેલ પંખાના આછા ઘરર ઘરર ધ્વનિનું કે ઘડિયાળના ટફ ટફ અવાજનું અવલંબન લઈને આ લાભ મેળવી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org