________________
જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય
૫૭
પ્રમાણશાસ્ત્ર ઉપર વિદ્યાનન્દનો સ્વતન્ત્ર ગ્રન્થ પ્રમાણપરીક્ષા છે. જૈનદર્શનપ્રતિપાદિત પ્રમાણ અને જ્ઞાનના સ્વરૂપનું તેમાં સારું સમર્થન છે. તત્ત્વાર્થસૂત્ર ૫૨ તેમણે શ્લોકવાર્તિક નામની ટીકા લખી છે જે શૈલી અને સામગ્રી બન્ને દષ્ટિએ ઉત્તમ છે. આ ગ્રન્થો ઉપરાંત આપ્તપરીક્ષા, પત્રપરીક્ષા, સત્યશાસનપરીક્ષા આદિ ગ્રન્થોનું સર્જન પણ વિદ્યાનન્દ કર્યું છે.
વિદ્યાનન્દના સમકાલીન આચાર્ય અનન્તકીર્તિ થયા છે જેમણે લઘુસર્વજ્ઞસિદ્ધિ, બૃહત્સર્વજ્ઞસિદ્ધિ અને જીવસિદ્ધિ નામના ગ્રન્થો રચ્યા છે. શાકટાયન અને અનન્તવીર્ય
અન્ય દાર્શનિકો સાથે સંઘર્ષ કરતાં કરતાં કેટલાક આચાર્યો આંતરિક સંઘર્ષમાં પણ પડી ગયા. શ્વેતામ્બર અને દિગમ્બર પરંપરાઓની કેટલીક વિશિષ્ટ માન્યતાઓને લઈને બન્નેમાં સંઘર્ષ થવો શરૂ થયો. અમોઘવર્ષના સમકાલીન શાકટાયને સ્ત્રીમુક્તિ અને કેવલિભુક્તિ નામના સ્વતન્ત્ર પ્રકરણોની રચના કરી. આગળ જઈને આ વિષયો ઉપર ઘણી ચર્ચાઓ થવા લાગી. શ્વેતામ્બર અને દિગમ્બર માન્યતાઓના પારસ્પરિક ખંડનમંડને અધિક જોર પકડ્યું.
અનન્તવીર્યે અકલંકના સિદ્ધિવિનિશ્ચય ઉપર ટીકા લખી જૈનદર્શનની મોટી સેવા કરી. સિદ્ધિવિનિશ્ચયને સમજવામાં આ ટીકા અતિ સહાયક સિદ્ધ થઈ છે. અકલંકના સૂત્રવાક્યો બરાબર સમજવા માટે અનન્તવીર્યનું સિદ્ધિવિનિશ્ચયવિવરણ આવશ્યક છે.
માણિક્યનન્દી, સિદ્ધર્ષિ અને અભયદેવ
દસમી શતાબ્દીમાં માણિક્યનન્દીએ પરીક્ષામુખ નામનો એક ન્યાયગ્રન્થ લખ્યો. આ ગ્રન્થ જૈન ન્યાયશાસ્ત્રમાં પ્રવેશ કરવા માટે બહુ ઉપયોગી છે. તેની શૈલી સૂત્રાત્મક હોવા છતાં સરળ છે. આ ગ્રન્થ ઉત્તરકાળે લખાયેલા જૈન ન્યાયશાસ્ત્રના કેટલાય ગ્રન્થ માટે આદર્શ રહ્યો. આ સમયે સિદ્ધર્ષિએ ન્યાયાવતાર પર સંક્ષિપ્ત અને સરળ ટીકા લખી.
અભયદેવે સન્મતિટીકાની રચના કરી. તેમાં અનેકાન્તવાદનો પૂર્ણ વિસ્તાર છે. તત્કાલીન બધા દાર્શનિક વાદોનું વિસ્તારપૂર્વક વિવેચન તેમાં કરવામાં આવ્યું છે. તે તત્કાલીન દાર્શનિક ગ્રન્થોનો નિચોડ છે. અનેકાન્તવાદની સ્થાપના ઉપરાંત પ્રમાણ, પ્રમેય આદિ વિષયો પર પણ સારી ચર્ચા કરવામાં આવી છે. આ ટીકા બે નામે ઓળખાય છે – તત્ત્વબોધવિધાયિની અને વાદમહાર્ણવ. બન્ને નામો યથાર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org