________________
જૈન ધર્મ-દર્શન
-d
(૪) અતિથિસંવિભાગ • યથાસિદ્ધ એટલે કે પોતાના માટે બનાવેલી પોતાના અધિકારની વસ્તુનો અતિથિના માટે સમુચિત વિભાગ કરવો (જુદો ભાગ કાઢવો) એ યથાસંવિભાગ કે અતિથિસંવિભાગ કહેવાય છે. જેમ શ્રાવક પોતાની આવકને પોતાના માટે તેમ જ પોતાના કટુંબના માટે ખર્ચવી એને પોતાનું કર્તવ્ય સમજે છે તેમ તે અતિથિ આદિ માટે પોતાની આવકના અમુક ભાગને સહજપણે ખર્ચવાને પણ પોતાનું કર્તવ્ય માને છે. આ કામ તે કોઈ સ્વાર્થના કારણે નથી કરતો પણ વિશુદ્ધ પરમાર્થની ભાવનાથી કરે છે. તેથી તેનો આ ત્યાગ ઉત્કૃષ્ટ કોટિમાં આવે છે. જેના આવવા-જવાની કોઈ તિથિ અર્થાત્ દિવસ નિશ્ચિત ન હોય તેને અતિથિ કહે છે. જે ઘૂમતા-ભમતા ગમે ત્યારે ગમે ત્યાં પહોંચી જાય તે અતિથિ છે. તેનો કોઈ નિશ્ચિત કાર્યક્રમ નથી હોતો. તેને જ્યાં જે સમયે જેવી પણ ઉપયુક્ત સામગ્રી ઉપલબ્ધ થઈ જાય ત્યાં તે વખતે તેનાથી તે સંતોષ પામી જાય છે. નિર્રન્થ શ્રમણને આ જાતના અતિથિ કહેવામાં આવેલ છે. આધ્યાત્મિક સાધના માટે જેણે ગૃહવાસનો ત્યાગ કરીને અનગારધર્મ સ્વીકાર્યો તે ભ્રમણશીલ પદયાત્રી નિર્પ્રન્થ શ્રમણ ભિક્ષુકને ન્યાયોપાર્જિત નિર્દોષ વસ્તુઓનું નિઃસ્વાર્થભાવે શ્રદ્ધાપૂર્વક દાન દેવું એ ઉત્કૃષ્ટ કોટિનું અતિથિસંવિભાગ વ્રત છે. જેમ નિર્પ્રન્થ અતિથિને દાન દેવું એ શ્રમણોપાસકનું કર્તવ્ય છે તેમ નિઃસ્વાર્થભાવે અન્ય અતિથિઓ અને વ્યક્તિઓને સમુચિત મદદ કરવી, દીનદુઃખીઓની યથોચિત સહાયતા કરવી એ પણ શ્રાવકનો ધર્મ છે. તેનાથી કરુણાવૃત્તિનું પોષણ થાય છે જે અહિંસાધર્મના ઉપયુક્ત વિકાસ અને પ્રસાર માટે આવશ્યક છે.
૩૭૦
અતિથિસંવિભાગ વ્રતના નીચે જણાવેલા પાંચ અતિચારો દર્શાવવામાં આવ્યા છે તે મુખ્યપણે આહાર સંબંધી છે (૧) સચિત્તનિક્ષેપ, (૨) સચિત્તપિધાન, (૩) કાલાતિક્રમ, (૪) પરવ્યપદેશ અને (૫) માત્સર્ય. ન દેવાની ભાવનાથી એટલે કે કપટપૂર્વક જાણીજોઈને સાધુને દેવા યોગ્ય આહારાદિને સચિત્ત અર્થાત્ સચેતન વનસ્પતિ આદિ ઉ૫૨ મૂકવા એને સચિત્તનિક્ષેપ કહે છે, નિર્પ્રન્થ શ્રમણ એવો આહાર ગ્રહણ કરતા નથી. તેવી જ રીતે આહારાદિને સચિત્ત વસ્તુથી ઢાંકવા એ સચિત્તપિધાન છે. અતિથિને કંઈ આપવું ન પડે એવી ભાવનાથી અર્થાત્ કપટપૂર્વક જાણીજોઈને ભિક્ષાના ઉચિત સમય પહેલાં કે પછી ભિક્ષુકને આહારાદિ ગ્રહણ કરવા વિનંતી કરવી એ કાલાતિક્રમ અતિચાર છે. ન આપવાની ભાવનાથી વસ્તુ પોતાની હોવા છતાં તે બીજાની છે એમ કહેવું અથવા તો બીજાની વસ્તુ આપીને પોતાની વસ્તુ બચાવી લેવી અથવા તો પોતાની વસ્તુ ખુદ પોતે ન આપવી પણ બીજા પાસે અપાવવી એ પરવ્યપદેશ અતિચાર છે. સહજભાવથી અર્થાત્ શ્રદ્ધાપૂર્વક દાન ન દેતાં બીજાના દાનગુણની ઇર્ષ્યા કરી પોતાને ચડિયાતો દેખાડવા દાન દેવું એ માત્સર્ય અતિચાર છે.
Jain Education International
----
For Private & Personal Use Only
www.jainelibrary,org