________________
३४४
જૈન ધર્મ-દર્શન આવ્યું છે. તેમનાં નામ બન્ને પરંપરામાં એકસરખાં છે. ક્રમની દૃષ્ટિએ પાંચમાં અને છઠ્ઠા નામોમાં સ્થાનફેર છે. દિગમ્બર પરંપરામાં તેમનો ક્રમ આ પ્રમાણે છે – (૧) સામાયિક (૨) ચતુર્વિશતિસ્તવ, (૩) વન્દના, (૪) પ્રતિક્રમણ, (૫) પ્રત્યાખ્યાન અને (૬) કાયોત્સર્ગ. શ્વેતામ્બર પરંપરાભિમત ષડુ આવશ્યકોનો ક્રમ આ પ્રમાણે છે – (૧) સામાયિક, (૨) ચતુર્વિશતિસ્તવ, (૩) વન્દના, (૪) પ્રતિક્રમણ, (૫) કાયોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન.
જે અવશ્ય કરવા યોગ્ય છે તેને આવશ્યક કહે છે. સામાયિક આદિ મુનિની પ્રતિદિન કરવા યોગ્ય ક્રિયાઓ છે, તેથી તેમને આવશ્યક કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં સામાયિક આદિ ષડુ આવશ્યક નિર્ગસ્થનાં નિત્યકર્મ છે. શ્રમણે તેમને દરરોજ બન્ને વખત અર્થાત્ દિવસના અને રાત્રિના અત્તે અવશ્ય કરવાનાં હોય છે.
સમની આય કરવી અર્થાત્ ત્રસ અને સ્થાવર બધાં પ્રાણીઓ ઉપર સમભાવ રાખવો સામાયિક છે. જેનો આત્મા સંયમ, નિયમ અને તપમાં સંલીન હોય છે અર્થાત જે વ્યકિત પોતાના આત્માને મન, વચન અને કાયાની પાપપૂર્ણ પ્રવૃત્તિઓથી વાળીને નિરવદ્ય વ્યાપારમાં પ્રવૃત્ત કરે છે તેને સામાયિકની પ્રાપ્તિ થાય છે. સામાયિકમાં બાહ્ય દૃષ્ટિનો ત્યાગ કરીને અન્તર્દષ્ટિ અપનાવવામાં આવે છે – બહિર્મુખી પ્રવૃત્તિ છોડીને અન્તર્મુખી પ્રવૃત્તિ સ્વીકારવામાં આવે છે. સામાયિક સમસ્ત આધ્યાત્મિક સાધનાઓની આધારશિલા છે. જયારે સાધક સર્વ સાવદ્ય યોગથી (પ્રવૃત્તિથી) વિરત થાય છે, છ કાયોના જીવો પ્રતિ સંયત થાય છે, મન-વચન-કાયાને નિયંત્રિત કરે છે, આત્મસ્વરૂપમાં ઉપયુક્ત બને છે, યતનાપૂર્વક આચરણ કરે છે ત્યારે તે સામાયિયુક્ત થાય છે.
સમભાવરૂપ સામાયિકના મહાન સાધક અને ઉપદેશક ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરવી એને ચતુર્વિશતિસ્તવ કહેવામાં આવે છે. ત્યાગ, વૈરાગ્ય, સંયમ અને સાધનાના મહાન આદર્શ અને સામાયિકધર્મના પરમ પુરસ્કર્તા વીતરાગ તીર્થકરોના સંકીર્તનથી આધ્યાત્મિક બલ પ્રાપ્ત થાય છે. તેમની સ્તુતિથી સાધનાનો માર્ગ પ્રશસ્ત બને છે. તેમના ગુણકીર્તનથી સંયમમાં સ્થિરતા આવે છે. તેમની ભક્તિથી પ્રશસ્ત ભાવોની વૃદ્ધિ થાય છે. તીર્થકરોની સ્તુતિ કરવાથી જ મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે એવું ન માનવું જોઈએ. સ્તુતિ તો સુપ્ત આત્માને જાગ્રત કરવાનું એક સાધન છે. સ્તુતિ દ્વારા આત્મચેતનાને જગાડવામાં આવે છે. તીર્થકરોની સ્તુતિમાત્રથી જ મોક્ષની પ્રાપ્તિ થઈ જતી નથી. મુક્તિ માટે ભક્તિ અને સ્તુતિની સાથે સાથે સંયમ અને સાધના પણ આવશ્યક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org