________________
૨૮૨
જૈન ધર્મ-દર્શન
મુજબનું દર્શાવવામાં આવ્યું છે : કોઈ પ્રાણીએ માતૃગર્ભમાં પ્રવેશવું, બાલ્યાવસ્થા પ્રાપ્ત કરવી, શુભાશુભ અનુભવોનો સંપર્ક કરવો આદિ ઘટનાઓ કાલના અભાવમાં ઘટી શકતી નથી. તેથી કાલ જ બધી જ ઘટનાઓનું કારણ છે. કાલ ભૂતોને પરિપક્વ અવસ્થાએ પહોંચાડે છે, કાલ પ્રજાનો સંહાર કરે છે, કાલ સૌ સૂતા રહ્યા હોય છે ત્યારે પણ જાગતો હોય છે, કાલની સીમાનું ઉલ્લંઘન કરવું કોઈ પણ વ્યક્તિને માટે સંભવ નથી. મગનું ચડવું અનુકૂળ કાળ વિના શક્ય નથી, પછી ભલે ને અન્ય સઘળી સામગ્રી ઉપસ્થિત કેમ ન હોય. તેથી મુદ્ગપક્તિ પણ કાલના કારણે જ થાય છે. કાલના અભાવમાં ગર્ભાદિ બધી ઘટનાઓ અસ્તવ્યસ્ત બની જશે. તેથી જગતની બધી ઘટનાઓનું કારણ કાલ જ છે.
સ્વભાવવાદ — સ્વભાવવાદીઓ કહે છે કે જગતમાં જે કંઈ બને છે તે સ્વભાવના કારણે જ બને છે. સ્વભાવ સિવાય બીજું કોઈ પણ કારણ વિશ્વવૈચિત્ર્યના નિર્માણમાં સમર્થ નથી. બુદ્ધચરિતમાં સ્વભાવવાદનું સ્વરૂપ દર્શાવતાં કહેવામાં આવ્યું છે કે કાંટાઓનું તીવ્ર અણિયેલપણું, પશુપક્ષીઓની વિચિત્રતા વગેરે સ્વભાવના કારણે જ છે. કોઈ પણ પ્રવૃત્તિમાં ઇચ્છા અથવા પ્રયત્ન(પુરુષાર્થ)નું કોઈ સ્થાન નથી. શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં સ્વભાવવાદનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ જીવે માતાના ગર્ભમાં પ્રવેશ કરવો, બાલ્યાવસ્થા પ્રાપ્ત કરવી, શુભાશુભ અનુભવોનો ભોગ કરવો વગેરે ઘટનાઓ સ્વભાવ વિના બની શકતી નથી. તેથી સ્વભાવ જ જગતની બધી ઘટનાઓનું કારણ છે. જગતની બધી વસ્તુઓ સ્વભાવના કારણે જ પોતપોતાના સ્વરૂપમાં અવસ્થિત રહે છે તથા અન્ને નાશ પામે છે. સ્વભાવ વિના મગનું ચડવું સંભવતું નથી, ભલે ને કાલ વગેરે ઉપસ્થિત કેમ ન હોય. જો કોઈ સ્વભાવવિશેષવાળા કારણના અભાવમાં પણ કોઈ કાર્યવિશેષની ઉત્પત્તિ સંભવે છે એમ માનવામાં આવે તો અવ્યવસ્થા ઉદ્ભવશે. જો માટીમાં ન ઘડો બનાવવાનો સ્વભાવ હોય, ન કાપડ બનાવવાનો સ્વભાવ હોય તો એમ કેવી રીતે કહી શકાય કે માટીમાંથી ઘડો જ ઉત્પન્ન થવો જોઈએ, પટ નહિ ? તેથી જ જગતની બધી ઘટનાઓનું કારણ સ્વભાવ જ છે.
3
નિયતિવાદ — નિયતિવાદીઓની માન્યતા છે કે જે થવાનું હોય તે જ થાય છે અથવા જે થવાનું હોય છે તે થાય છે જ. ઘટનાઓનું અવશ્યમ્ભાવિત્વ પૂર્વનિર્ધારિત
૧. શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ૧૬૫-૧૬૮.
૨. બુદ્ધચરિત, ૫૨.
૩. શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ૧૬૯-૧૭૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org