________________
૨૭૮
જૈન ધર્મ-દર્શન
આદિના ભેદે અર્થમાં ભેદ માને છે. સમભિરૂઢનયનો વિષય શબ્દનયના વિષયથી ઓછો છે કેમ કે તે પર્યાયશબ્દોમાં પણ વ્યુત્પત્તિભેદે અર્થભેદ માને છે જ્યારે શબ્દનય પર્યાયશબ્દોમાં કોઈ પણ જાતનો અર્થભેદ સ્વીકારતો નથી. એવમ્મૂતનયનો વિષય સમભિરૂઢનયના વિષયથી પણ ઓછો છે કેમ કે તે અર્થને ત્યારે જ તે શબ્દ દ્વારા વાચ્ય માને છે જ્યારે અર્થ પોતાની વ્યુત્પત્તિમૂલક ક્રિયા કરવામાં લાગેલો હોય. તેથી એ સ્પષ્ટ છે કે પૂર્વ પૂર્વ નયની અપેક્ષાએ ઉત્તર ઉત્તર નય સૂક્ષ્મ અને સૂક્ષ્મતર બનતો જાય છે. ઉત્તર ઉત્તર નયનો વિષય પૂર્વ પૂર્વ નયના વિષય ઉપર જ અવલંબિત રહે છે. પ્રત્યેકનું વિષયક્ષેત્ર ઉત્તરોત્તર ઓછું થવાના કારણે નયોનો પારસ્પરિક પૌર્વાપર્યનો સંબંધ છે.
સામાન્ય અને વિશેષના આધારે આ નયોનું વિભાજન દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ બેમાં કોઈ ખાસ દૃષ્ટિએ કરવામાં આવ્યું છે. પહેલા ત્રણ નય સામાન્ય તત્ત્વ તરફ ખાસ ઝૂકેલા છે અને પછીના બાકીના ચાર નયો વિશેષ તત્ત્વ ઉપર અધિક ભાર આપે છે. પહેલા ત્રણ નયોમાં સામાન્યનો વિચાર અધિક સ્પષ્ટ છે અને બાકીના ચારમાં વિશેષનો વિચા૨ અધિક સ્પષ્ટ છે. સામાન્ય અને વિશેષની આ સ્પષ્ટતાના કારણે સાત નયોને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકમાં વિભાજિત કરવામાં આવ્યા છે. વાસ્તવિકતા એ છે કે સામાન્ય અને વિશેષ બન્ને એક જ તત્ત્વનાં બે અવિભાજ્ય પાસાં છે. આવી પરિસ્થિતિમાં એકાન્તપણે સામાન્યનું કે વિશેષનું ગ્રહણ સંભવતું નથી.
અર્થનય અને શબ્દનયના રૂપમાં જે વિભાજન કરવામાં આવ્યું છે તે પણ આ પ્રકારનું છે. હકીકતમાં શબ્દ અને અર્થ એકાન્તપણે ભિન્ન નથી હોઈ શકતા. અર્થની પ્રધાનતાને ધ્યાનમાં રાખી પ્રથમ ચા૨ નયોને અર્થનય ગણવામાં આવ્યા છે. શબ્દપ્રાધાન્યની દૃષ્ટિએ બાકીના ત્રણ નયો શબ્દનયની કોટિમાં આવે છે. આ રીતે પૂર્વ પૂર્વ નયથી ઉત્તર ઉત્તર નયમાં વિષયની સૂક્ષ્મતાની દૃષ્ટિએ, સામાન્ય અને વિશેષની દૃષ્ટિએ, અર્થ અને શબ્દની દૃષ્ટિએ ભેદ અવશ્ય છે પરંતુ આ ભેદ ઐકાન્તિક નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org