________________
લેખકનું નિવેદન
પ્રસ્તુત પુસ્તક મારા મૂળ હિન્દી ગ્રન્થનો ગુજરાતી અનુવાદ છે. તેમાં ભારતીય ધર્મ-દર્શનના એક મહત્ત્વપૂર્ણ અંગ જૈન ધર્મ-દર્શનનો પ્રમાણભૂત અને વિશ્વસનીય પરિચય આપવામાં આવ્યો છે. તેને જૈન ધર્મ-દર્શનનો પ્રતિનિધિ ગ્રન્થ કહેવામાં કંઈ ખોટું નથી. આ ગુજરાતી અનુવાદના માધ્યમથી મારી કૃતિ ગુજરાતી જગત સમક્ષ રજૂ થઈ રહી છે તેનો મને આનન્દ છે. વળી, આ અનુવાદ ભારતીય અને જૈન તત્ત્વજ્ઞાનના મૂર્ધન્ય વિદ્વાન અને એલ.ડી. ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડોલોજીના ભૂતપૂર્વ અધ્યક્ષ નગીનભાઈ શાહે કર્યો છે એ મારા માટે ગૌરવની વાત છે. આશા છે કે ગુજરાતી દાર્શનિક સાહિત્યમાં તેને સમુચિત સ્થાન પ્રાપ્ત થશે અને તે જૈન ધર્મ અને દર્શનના જ્ઞાનની વૃદ્ધિમાં ઉલ્લેખનીય ફાળો આપશે.
ગ્રન્થ સાત અધ્યયનોમાં વિભક્ત છે. પહેલા અધ્યયનમાં જૈન પરંપરાનો ઐતિહાસિક પરિચય રોચક રીતે આપવામાં આવ્યો છે. બીજા અધ્યયનમાં જૈન ધર્મ અને દર્શન સંબંધી સાહિત્યની સંક્ષિપ્ત પણ સમગ્રગ્રાહી ખ્યાલ આપતી રૂપરેખા રજૂ કરવામાં આવી છે. ત્રીજા અધ્યયનમાં જૈન દર્શનાભિમત તત્ત્વવ્યવસ્થાનું વિશદ પ્રતિપાદન છે. અહીં સતનું સ્વરૂપ, આત્મા આદિ છ દ્રવ્યો, વગેરેનું સ્પષ્ટ નિરૂપણ છે. ચોથા અધ્યયનમાં જૈન જ્ઞાનવાદ અને પ્રમાણશાસ્ત્રની મીમાંસા છે. અહીં મતિ આદિ પાંચ જ્ઞાનો અને પ્રત્યક્ષ તથા પરોક્ષ પ્રમાણોનું વિવરણ છે. પાંચમા અધ્યયનનો વિષય સાપેક્ષવાદ છે. અહીં અનેકાન્તવાદ, સ્યાદ્વાદ, નયવાદ, સપ્તભંગી, વિજયવાદ વગેરેનું નિરૂપણ છે. છઠ્ઠા અધ્યયનમાં જૈન કમસિદ્ધાન્તનું વિસ્તૃત વિવેચન છે. સાતમા અધ્યયનમાં જૈન આચારનો – શ્રમણાચાર અને શ્રાવકાચારનો સમુચિત પરિચય આપવામાં આવ્યો છે. આ રીતે જૈન ધર્મ-દર્શનનાં સમસ્ત મહત્ત્વપૂર્ણ પાસાંઓ પર પ્રસ્તુત ગ્રન્થમાં પર્યાપ્ત પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ ગ્રન્થ ધર્મ-દર્શનના જિજ્ઞાસુઓ, વિદ્વાનો અને વિદ્યાલયો, મહાવિદ્યાલયો તથા વિશ્વવિદ્યાલયોના વિદ્યાર્થીઓ સૌને સમાનપણે ઉપયોગી સિદ્ધ થશે એવો મને વિશ્વાસ છે. બી-૧૮, અંગલ પાર્ક
મોહન લાલ મેહતા ચતુઃશંગી પૂણે – ૪૧૧ ૦ ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org