________________
૯૪
જૈન ધર્મ-દર્શન અરૂપી જડ છે. તાત્પર્ય એ કે જીવ ચેતન અરૂપી છે, પુદ્ગલ જડ રૂપી છે અને ધર્મ આદિ જડ અરૂપી છે. કોઈ એવું તત્ત્વ નથી જે ચેતન પણ હોય અને રૂપી પણ હોય કેમ કે રૂપ ચેતનનો ગુણ નથી પણ જડનો ગુણ છે. પરંતુ એ જરૂરી નથી કે બધાં જડ તત્ત્વ રૂપી જ હોય કેમ કે ધર્મ આદિ તત્ત્વ જડ હોવા છતાં પણ અરૂપી છે. અહીં રૂપી અને અરૂપીનો અર્થ એટલો જ સમજવો જોઈએ કે જે તત્ત્વ સર્વસાધારણપણે જ્ઞાનેન્દ્રિયોથી અનુભવી શકાય તે રૂપી છે તથા જેને જ્ઞાનેન્દ્રિયોથી અનુભવી ન શકાય તે અરૂપી છે. અરૂપી દ્રવ્યોનું સાક્ષાત્ જ્ઞાન કરવા માટે વિશેષ યોગ્યતા અપેક્ષિત છે. અરૂપી દ્રવ્યો એટલા સૂક્ષ્મ હોય છે કે આપણી ઇન્દ્રિયો તેમને ગ્રહણ કરી શકતી નથી. તેમનું સાક્ષાત જ્ઞાન કરવું આપણી ઇન્દ્રિયોની શક્તિની બહાર છે. કોઈ અસાધારણ શક્તિ યા સામર્થ્યની ઉપસ્થિતિમાં જ અરૂપી દ્રવ્યો સાક્ષાત અનુભૂતિનો વિષય બની શકે છે.
જે અરૂપી અથવા અમૂર્ત દ્રવ્યોનું સાક્ષાત્ જ્ઞાન કરે છે તે તે દ્રવ્યોને કયા રૂપમાં જાણે છે? શું તે તેમનો કોઈ નિશ્ચિત આકાર-પ્રકાર અનુભવે છે? જો કહેવામાં આવે કે તે તેમને કોઈ નિશ્ચિત આકાર-પ્રકારના રૂપમાં જાણે છે તો તે આકારવાળા હોવાના કારણે મૂર્ત અર્થાત રૂપી બની જશે કેમ કે આકાર રૂપ વિના સંભવતો નથી. આવી પરિસ્થિતિમાં તેમનું અરૂપી હોવું અયથાર્થ બની જશે. જો એમ માનવામાં આવે કે અરૂપી દ્રવ્યોનો જ્ઞાતા કોઈ નિશ્ચિત આકાર-પ્રકાર વિના જ તે અરૂપી દ્રવ્યોને જાણે છે તો પ્રશ્ન ઊભો થાય છે કે તેના જ્ઞાનમાં જે અરૂપી દ્રવ્યો પ્રતિભાસિત થઈ રહ્યા છે તે અરૂપી દ્રવ્યોનું કોઈ નિશ્ચિત સ્થાન છે કે નહિ? જો તે અરૂપી દ્રવ્યોનું અસ્તિત્વ કોઈ નિશ્ચિત સ્થાનમાં હોય– ભલે ને પછી તે સ્થાન આખો લોક જ કેમ ન હોય – તો તે શું એવી વસ્તુ છે જે તે સ્થાનમાં હોય અને અન્યત્ર ન હોય? કોઈ નિશ્ચિત આકાર-પ્રકારને માન્યા વિના તે અરૂપી દ્રવ્યોની સ્થિતિ કોઈ સ્થાન વિશેષમાં સિદ્ધ થઈ શકતી નથી. જે કોઈ સ્થાનવિશેષમાં રહે છે તેનો કોઈ આકાર-પ્રકાર હોવો જ જોઈએ, અન્યથા તે શું છે જે તે સ્થાનને રોકે છે, વ્યાપ્ત કરે છે? કોઈ નિશ્ચિત સ્થાનને રોકવા માટે, વ્યાપ્ત કરવા માટે કોઈ નિશ્ચિત આકાર અનિવાર્ય છે. જો કહેવામાં આવે કે તે અરૂપી દ્રવ્યોનું કોઈ નિશ્ચિત સ્થાન નથી તો તેમ કહેવું યોગ્ય નથી કેમ કે પ્રત્યેક દ્રવ્યની સત્તા કોઈને કોઈ સ્થાનવિશેષ સાથે જ સમ્બદ્ધ હોય છે. જૈન દર્શનની પણ એ જ માન્યતા છે કે જીવ, ધર્મ, અધર્મ આદિ બધાં દ્રવ્યો આકાશમાં રહે છે અને આકાશમાં રહીને જ પોતપોતાનું કાર્ય કરે છે. ધર્માદિ જડ દ્રવ્યોની તો વાત જ ક્યાં રહી, ખુદ જીવ પણ નિશ્ચિત આકાર-પ્રકાર ધરાવે છે અને નિશ્ચિત સ્થાનમાં રહે છે. સંસારી આત્માઓ તો શરીરસમ્બદ્ધ હોવાના કારણે નિશ્ચિત આકાર-પ્રકારવાળા હોય છે અર્થાત સ્વદેહપરિમાણ જ હોય છે, મુક્ત આત્માઓ પણ નિશ્ચિત આકાર ધરાવે છે અને નિશ્ચિત સ્થાનમાં અર્થાત લોકના અગ્ર ભાગે રહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org