________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૪૩૫
સાબિત કરી શકે. આ મુખ્ય પ્રયોજનથી પ્રેરિત થઈને કોઈએ પોતાના ગ્રંથમાં સંક્ષેપમાં તો કોઈએ વિસ્તારથી, કોઈએ અમુક એક પ્રકારનું વર્ગીકરણ કરીને તો કોઈએ બીજા પ્રકારનું વર્ગીકરણ કરીને, તેમનું નિરૂપણ કર્યું છે.
(૪) ઉક્ત પ્રયોજન અંગે બધાની એકમતી હોવા છતાં પણ એક વિશિષ્ટ પ્રયોજનના વિષયમાં મતભેદ અવશ્ય છે જે ખાસ જાણવો જોઈએ. તે વિશિષ્ટ પ્રયોજન છે — જાતિ, છલ આદિ રૂપે અસત્ય ઉત્તરનો પણ પ્રયોગ કરવો. ન્યાય (ન્યાયસૂત્ર, ૪.૨.૫૦) હો યા વૈદ્યક (ચરક, વિમાનસ્થાન, પૃ. ૨૬૪) બન્ને બ્રાહ્મણ પરંપરાઓ અસત્ય ઉત્તરના પ્રયોગનું પણ સમર્થન પહેલેથી આજ સુધી કરતી આવી છે. બૌદ્ધ પરંપરાના પણ પ્રાચીન ઉપાયહૃદય આદિ કેટલાક ગ્રન્થો જાત્યુત્તરના પ્રયોગનું સમર્થન બ્રાહ્મણ પરંપરાના ગ્રંથોની જેમ જ સ્પષ્ટપણે કરે છે, જ્યારે તે જ પરંપરાના ઉત્તરકાલીન ગ્રંથોમાં જાત્યુત્તરોનું વર્ણન હોવા છતાં પણ તેમના પ્રયોગનો સ્પષ્ટ અને સબળ નિષેધ છે (વાદન્યાય, પૃ. ૭૦). જૈન પરંપરાના ગ્રંથોમાં તો પહેલેથી જ મિથ્યા ઉત્તરોના પ્રયોગનો સર્વથા નિષેધ કરવામાં આવ્યો છે (તત્ત્વાર્થસ્લોકવાર્તિક, પૃ. ૨૭૯). તેમના પ્રયોગનું સમર્થન ક્યારેય ક૨વામાં નથી આવ્યું. છલ-જાતિયુક્ત કથા કર્તવ્ય છે કે નહિ આ પ્રશ્ન ઉપર જ્યારે જ્યારે જૈન તાર્કિકોએ જૈનેતર તાર્કિકો સાથે ચર્ચા કરી છે ત્યારે ત્યારે તેમણે પોતાનો એક માત્ર અભિપ્રાય એ જ પ્રગટ કર્યો છે કે એવી કથા કર્તવ્ય નથી, ત્યાજય છે. બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન બધાં ભારતીય દર્શનોનું અન્તિમ અને મુખ્ય પ્રયોજન મોક્ષ દર્શાવાયું છે અને મોક્ષની સિદ્ધિ અસત્ય અને મિથ્યાજ્ઞાનથી શક્ય જ નથી જે જાત્યુત્તરોમાં અવશ્ય ગર્ભિત છે. તેથી કેવળ જૈન દર્શન અનુસાર જ કેમ, બ્રાહ્મણ અને બૌદ્ધ દર્શન અનુસાર પણ જાત્યુત્તરોનો પ્રયોગ અસંગત છે. આવું હોવા છતાં પણ બ્રાહ્મણ અને બૌદ્ધ તાર્કિક તેમના પ્રયોગનું સમર્થન કરે છે અને જૈન તાર્કિકો સમર્થન કરતા નથી. આ અન્તરનું બીજ શું છે ? આ પ્રશ્ન અવશ્ય પેદા થાય છે. આનો જવાબ જૈન અને જૈનેતર દર્શનોના અધિકારીઓની પ્રકૃતિમાં છે. જૈન દર્શન મુખ્યપણે ત્યાગિપ્રધાન હોવાથી તેના અધિકારીઓમાં મુમુક્ષુ જ મુખ્ય છે, ગૃહસ્થ નથી, જ્યારે બ્રાહ્મણ પરંપરા ચાતુરાશ્રમિક હોવાથી તેના અધિકારીઓમાં ગૃહસ્થોનો, ખાસ કરીને વિદ્વાન બ્રાહ્મણ ગૃહસ્થાનો, તે જ દરજ્જો છે જે દરજ્જો ત્યાગીઓનો હોય છે. ગાર્હસ્થ્યની પ્રધાનતા હોવાના કારણે બ્રાહ્મણ વિદ્વાનોએ વ્યાવહારિક જીવનમાં સત્ય, અહિંસા આદિ નિયમો ઉપર એટલો ભાર ન આપ્યો જેટલો જૈન ત્યાગીઓએ આપ્યો. ગાર્હસ્થ્યની સાથે અર્થલાભ, જયકૃષ્ણા
૧. જુઓ સિદ્ધસેનકૃત વાદદ્વાત્રિંશિકા. વાદાષ્ટક. ન્યાયવિનિશ્ચય ૨.૨૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org