________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૩૩૭
છે. સાંખ્ય, યોગ અને વેદાન્તમાં પણ બૌદ્ધિક સર્વજ્ઞત્વની પ્રાપ્તિ મોક્ષપ્રાપ્તિ માટે અનિવાર્ય વસ્તુ નથી, જ્યારે જૈન દર્શનમાં તે અનિવાર્ય છે. સાંખ્ય, યોગ, વેદાન્તના મતે ન્યાય-વૈશેષિક દર્શનની જેમ તે એક યોગવિભૂતિ માત્ર હોવાથી કોઈ કોઈ સાધકને હોય છે અને તેની પ્રાપ્તિ વિના પણ સાધક મોક્ષ પામી શકે છે.
સર્વજ્ઞવાદ સાથે સંબંધ ધરાવનાર હજારો વર્ષના ભારતીય દર્શનશાસ્ત્રને તપાસવા છતાં પણ એ સ્પષ્ટપણે જાણવા મળતું નથી કે કયું અમુક દર્શન જ સર્વજ્ઞવાદનું પ્રસ્થાપક છે. એ પણ નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે કે સર્વજ્ઞત્વની ચર્ચા શુદ્ધ તત્ત્વચિંતનમાંથી ફલિત થઈ છે કે સાંપ્રદાયિકભાવથી ચાલેલા ધાર્મિક ખંડનમંડનમાંથી ફલિત થઈ છે. એ પણ સપ્રમાણ દર્શાવવું સંભવ નથી કે ઈશ્વર, બ્રહ્મા આદિ દિવ્ય આત્માઓમાં મનાતા સર્વજ્ઞત્વના વિચાર દ્વારા માનુષિક સર્વજ્ઞત્વનો વિચાર પ્રસ્તુત થયો, કે બુદ્ધ-મહાવીર સદેશ મનુષ્યમાં મનાતા સર્વજ્ઞત્વના વિચારઆંદોલન વડે ઈશ્વર, બ્રહ્મા વગેરેમાં સર્વજ્ઞત્વનું સમર્થન થવા લાગ્યું, કે પછી દેવમનુષ્ય ઉભયમાં સર્વજ્ઞત્વ માનવાનો વિચારપ્રવાહ પરસ્પર નિરપેક્ષપણે પ્રચલિત થયો. આ બધું હોવા છતાં પણ સામાન્યપણે એટલું તો જરૂર કહી શકાય કે આ ચર્ચા ધર્મસંપ્રદાયોના ખંડનમંડનમાંથી ફલિત થઈ છે અને પછીથી તેણે તત્ત્વજ્ઞાનનું રૂપ ધારણ કરીને તાત્ત્વિક ચિંતનમાં પણ સ્થાન પ્રાપ્ત કર્યું. અને તે તટસ્થ તત્ત્વચિન્તકોનો વિચારણીય વિષય બની ગઈ, કારણ કે મીમાંસક જેવા પુરાતન અને પ્રબળ વૈદિક દર્શનના સર્વજ્ઞત્વ સંબંધી અસ્વીકાર અને બાકી બધાં વૈદિક દર્શનોના સર્વજ્ઞત્વ સંબંધી સ્વીકારનો એક માત્ર મુખ્ય ઉદ્દેશ એ જ છે કે વેદનું પ્રામાણ્ય સ્થાપિત કરવું જ્યારે જૈન, બૌદ્ધ આદિ મનુષ્યસર્વજ્ઞત્વવાદી દર્શનોનો એક એ જ ઉદ્દેશ છે કે પરંપરાથી મનાતા વેદપ્રામાણ્યના સ્થાને ઇતર શાસ્ત્રોનું પ્રામાણ્ય સ્થાપિત કરવું અને વેદનું અપ્રામાણ્ય સ્થાપિત કરવું. જ્યારે વેદનું પ્રામાણ્ય-અપ્રામાણ્ય જ અસર્વજ્ઞવાદ, દેવસર્વજ્ઞવાદ અને મનુષ્યસર્વજ્ઞવાદની ચર્ચા અને તેની દલીલોનો એક માત્ર મુખ્ય વિષય છે ત્યારે ધર્મસંપ્રદાયને આ તત્ત્વચર્ચાનું ઉત્થાનબીજ માનવામાં સન્દેહને ઓછામાં ઓછો અવકાશ છે.
મીમાંસકધુરીણ કુમારિલે ધર્મજ્ઞ અને સર્વજ્ઞ બન્ને વાદોનું નિરાકરણ ખૂબ આવેશ અને યુક્તિવાદથી કર્યું છે (મીમાંસાશ્લોકવાર્તિક, સૂત્ર ૨ શ્લોક ૧૧૦-૧૪૩). તેવી જ રીતે બૌદ્ધપ્રવર શાન્તરક્ષિતે તેનો જવાબ ઉક્ત બન્ને વાદોના સમર્થન દ્વારા ખૂબ ગંભીરતા અને સ્પષ્ટતાથી આપ્યો છે (તત્ત્વસંગ્રહ, પૃ. ૮૪૬થી). તેથી અહીં એક १. प्राप्तविवेकजज्ञानस्य अप्राप्तविवेकजज्ञानस्य वा सत्त्वपुरुषयोः शुद्धिसाम्ये कैवल्यम् इति । યોગસૂત્ર, ૩.૫૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org