________________
(૪)
સમાવેશ કરીને, સર્વ પ્રશ્નોનો વ્યવસ્થિત વિચાર એવી રીતે કર્યો છે કે પાઠક સમસ્યા અને સમાધાનનું ગ્રહણ સરળતાથી કરી શકે. તેમની શૈલીમાં ન તો અતિ લાઘવ છે કે ન તો અતિ ગૌરવ યા વિસ્તાર છે. તે જટિલતા અને દીર્ઘસૂત્રીપણાથી મુક્ત છે. તેથી તે ઉત્તમ પાઠ્ય ગ્રન્થ બની ગયો છે. તેનું બીજું મહત્ત્વનું લક્ષણ એ છે કે તે જૈન મન્તવ્યના નિરૂપણ પ્રસંગે સાથે સાથે અન્ય શાખાઓના તાર્કિકોના મન્તવ્યોને સમજાવી તેમની સમીચીન સમીક્ષા પણ કરે છે જ. તેથી તે કેવળ જૈન તર્કશાસ્ત્ર જાણવા માટે જ નહિ પરંતુ સમગ્ર ભારતીય તર્કશાસ્ત્ર જાણવા અને સમજવા માટે પણ અત્યન્ત ઉપયોગી છે. વળી, તેમાં હેમચન્દ્રાચાર્યે પૂર્વવર્તી આગમિક અને તાર્કિક બધાં જૈન મન્તવ્યોને ચિન્તન અને મનનથી પચાવીને પોતાની આગવી વિશદ અને અપુનરુક્ત સૂત્રશૈલીમાં તેમજ સર્વસંગ્રાહિણી વિશદતમ સ્વોપજ્ઞવૃત્તિમાં રજૂ કર્યાં છે. તેમાં અનેકાન્તવાદ, પ્રમાણલક્ષણ, જ્ઞાનના પ્રામાણ્યની કસોટી, જ્ઞાનને તેમ જ જ્ઞાનના પ્રામાણ્યને જાણવાની સમસ્યા, પ્રમાણવિભાગ, પ્રત્યક્ષપ્રમાણ, પ્રત્યક્ષપ્રમાણનું તાત્ત્વિકત્વ, ઇન્દ્રિયજ્ઞાનના વ્યાપારનો ક્રમ, પરોક્ષપ્રમાણના ભેદો અને લક્ષણ, અનુમાનપ્રમાણ, હેતુનું રૂપ, અનુમાનના અવયવોની પ્રાયોગિક વ્યવસ્થા, કથાનું (વાદ-પ્રતિવાદ યા શાસ્ત્રાર્થનું) સ્વરૂપ, નિગ્રહસ્થાન યા જય-પરાજયવ્યવસ્થા, પ્રમેય અને પ્રમાતાનું (આત્માનું) સ્વરૂપ, સર્વજ્ઞત્વનું સ્થાપન, વગેરે વિષયક જૈન દાર્શનિક વિચારધારાનું અન્ય ભારતીય દર્શનોના સંદર્ભમાં સુસંબદ્ધ તર્કબદ્ધ નિરૂપણ છે. જૈન તર્કશાસ્ત્રના સર્વગ્રાહી વિશદ પ્રતિપાદનની દૃષ્ટિએ જૈન તાર્કિક ગ્રન્થોમાં પ્રમાણમીમાંસા મૂર્ધન્ય સ્થાન ધરાવે છે. એટલું જ નહિ પણ સમગ્ર ભારતીય તર્કશાસ્ત્રમાં જૈન તાર્કિકોના પ્રદાનની મહત્તાને દર્શાવનારો તે અમૂલ્ય ગ્રન્થ છે.
પ્રસ્તુત પ્રકાશનમાં મૂળ સંસ્કૃત પ્રમાણમીમાંસા સાથે તેનો ગુજરાતી અનુવાદ પણ આપવામાં આવ્યો છે જેથી સંસ્કૃત ન જાણનાર ગુજરાતી પાઠકો પણ પ્રમાણમીમાંસાના જ્ઞાનનો લાભ લઈ શકે. અનુવાદકનો પ્રયત્ન અનુવાદમાં મૂળને વફાદાર રહેવા સાથે અનુવાદને સુવાચ્ય અને સુગમ બનાવવાનો પણ છે. અનુવાદ તરજુમિયો ન બની જાય એની કાળજી લેવામાં આવી છે. જ્યાં કંઈક વિશેષ કહેવાની આવશ્યકતા જણાઈ ત્યાં અનુવાદકનું તે વિશેષ કથન કૌંસમાં મૂક્યું છે. જેમના માટે અનુવાદ કરવામાં આવ્યો છે તેમને તે ઉપયોગી બની રહે તો જ તેની સાર્થકતા છે, એ વાતનો ખ્યાલ રાખીને અનુવાદ કરવામાં આવ્યો છે. વિષય કઠિન હોઈ ખાસ એકાગ્રતા માગે છે, એટલે પાઠકને પણ ગ્રન્થ સમજવા ખાસ જહેમત ઉઠાવવી જ પડશે અને એ રીતે તેણે અનુવાદકને તેનો અનુવાદ સફળ બનાવવામાં સહકાર આપવો જોઈશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org