________________
દ
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
બંધુવર્મ
તેમણે ‘હરિવંશાભ્યુદય' તથા ‘જીવ સંબોધન'ની રચના કરી છે. તેઓ વૈશ્ય કવિ છે. કવિએ પોતાની રચનામાં પોતાના વર્ણ ઉપરાંત જન્મસ્થળ, માતાપિતા વગેરે અન્ય કોઈ પણ વાતનો ઉલ્લેખ નથી કર્યો. કવિ કમલભવે (લગભગ ૧૨૩૫ ઈ.સ.) પોતાની રચનામાં સ્વર્ગવાસી બંધુવર્મનું સ્મરણ કર્યું છે, તેનાથી જ્ઞાત થાય છે કે બંધુવર્મ કમલભવના પૂર્વવર્તી હતા. આર. નરસિંહાચાર્યના મતે તેમનો સમય ઈ.સ. બારમી શતાબ્દી છે.
નાગરાજ, મંગરસ વગેરે કવિઓએ બંધુવર્મની ખૂબ પ્રશંસા કરી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે બંધુવર્ષે પોતાની રચનાઓમાં કોઈ પણ પૂર્વ કવિનું સ્મરણ નથી કર્યું. ઉલટું તેમણે પોતાના કવિ ચાતુર્યની પ્રશંસા સ્વયં કરી છે. હરિવંશાભ્યુદયમાં ૨૨મા તીર્થંકર નેમિનાથનું ચરિત્ર સુંદર રીતે વર્ણિત છે. આમાં ૨૪ આશ્વાસ છે. ગ્રંથની શૈલી સહજ તથા સુંદર છે. કવિનો બંધ લલિત અને કલ્પનાવિલાસ ચિત્તાકર્ષક છે. તેમાં સંદેહ નથી કે આ રચનામાં સૌંદર્ય અને લાલિત્ય બંને ય ઉપસ્થિત છે.
બંધુવર્મનો બીજો ગ્રંથ જીવસંબોધન છે. તે નીતિવૈરાગ્યબોધક ગ્રંથ છે. તેમાં ૧૨ અધિકાર છે. જૈનસાધનામાં ૧૨ અનુપ્રેક્ષાઓનું સ્થાન ખૂબ ઊંચુ છે. વસ્તુતઃ તે જ માનવને વૈરાગ્યની પરાકાષ્ઠા પર પહોંચાડે છે. તીર્થંકર પણ તેમના જ દ્વારા પોતાની વૈરાગ્ય દશાને પુષ્ટ કરે છે. પાપભીરુ તથા સાચી ધર્મશ્રદ્ધાળુ વ્યક્તિ પ્રતિદિન નિયમપૂર્વક આ અનુપ્રેક્ષાઓનું સ્મરણ કરે છે. અનુપ્રેક્ષાનો અર્થ છે વસ્તુ સ્વભાવનું ગહન ચિંતન. જો વસ્તુસ્વભાવનું ચિંતન ગહન તથા તાત્ત્વિક હશે તો રાગદ્વેષ વગેરે વૃત્તિઓ ક્ષીણ થઈ જશે. જે વિષયોનું ચિંતન આપણી રાગદ્વેષની વૃત્તિઓ શોધવામાં વિશેષ ઉપયોગી થઈ શકે છે, એવા બાર વિષયો ચૂંટીને તેમના ચિંતનને જ બાર અનુપ્રેક્ષાઓ રૂપે ગણાવવામાં આવ્યા છે. અનુપ્રેક્ષાઓને ભાવનાઓ પણ કહે છે.
બંધુવર્ષે જીવસંબોધનમાં આ અનુપ્રેક્ષાઓનું ખૂબ જ સરળ, સ્વાભાવિક તથા ચિત્તાકર્ષક ઢંગે વર્ણન કર્યું છે. તેમાં સંદેહ નથી કે કવિ પોતાના કાર્યમાં પૂર્ણ સફળ થયા છે. અધ્યાત્મપ્રેમી-જૈનેતર વિદ્વાન પણ આ ગ્રંથની મુક્તકંઠે પ્રશંસા કરે છે. તેમાં ધર્મની સાથે સાથે જ સોદાહરણ નીતિનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ગ્રંથની શૈલી લલિત તથા સુંદર છે. તમિલ ભાષામાં પણ આ જ નામનો એક ગ્રંથ છે. બંનેનો વિષય ઘણો મળતો છે. જીવસંબોધનનો હિંદી અનુવાદ થવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org