________________
પ્રથમ પ્રકરણ
જૈન શ્રત
મહાન લિપિશાસ્ત્રી શ્રી ઓઝાજીનો નિશ્ચિત મત છે કે તાડપત્ર, ભોજપત્ર, કાગળ, શાહી, કલમ વગેરેનો પરિચય આપણા પૂર્વજોને પ્રાચીન કાળથી જ હતો. આમ હોવા છતાં પણ કોઈ ભારતીય અથવા એશિયાઈ ધર્મ-પરંપરાના મૂળભૂત ધર્મશાસ્ત્રો અધિકાંશપણે રચનાના સમયે જ તાડપત્ર કે કાગળ પર લિપિબદ્ધ થયાં હોય તેવું પ્રતીત થતું નથી.
આજથી પચીસસો વર્ષ અથવા તેનાથી બમણા સમય પહેલાંના જિજ્ઞાસુઓ પોતપોતાના ધર્મશાસ્ત્રો આદર અને વિનયપૂર્વક પોતપોતાના ગુરુઓ દ્વારા મેળવી શકતા હતા. આ રીતે પ્રાપ્ત થનારા શાસ્ત્રોને તેઓ કંઠાગ્ર કરતા અને કંઠાગ્ર પાઠો વારંવાર સ્મરણ કરી યાદ રાખતા. ધર્મવાણીનું શુદ્ધ ઉચ્ચારણ સુરક્ષિત રહે તેનું તેઓ બરાબર ધ્યાન રાખતા. ક્યાંય કાનો, માત્રા, અનુસ્વાર, વિસર્ગ વગેરે નિરર્થક રૂપે પ્રવેશી ન જાય કે નીકળી ન જાય, તેની પણ તેઓ પૂરેપૂરી સાવધાની રાખતા.
અવેસ્તા અને વેદોના વિશુદ્ધ ઉચ્ચારણોની સુરક્ષાનું આવેસ્તિક પંડિતો અને વૈદિક પુરોહિતોએ પૂરું ધ્યાન રાખ્યું છે. તેનું સમર્થન વર્તમાનમાં પ્રચલિત અવેસ્તા ગાથાઓ અને વેદ-પાઠોની ઉચ્ચારણ-પ્રક્રિયા વડે થાય છે.
જૈન પરંપરામાં પણ આવશ્યક ક્રિયાકાંડના સૂત્રોની અક્ષરસંખ્યા, પદસંખ્યા, લઘુ અને ગુરુ અક્ષરસંખ્યા વગેરેનું ખાસ વિધાન છે. સૂત્રનું કેવી રીતે ઉચ્ચારણ કરવું, ઉચ્ચારણ કરતી વેળાએ કયા-કયા દોષોથી દૂર રહેવું-ઇત્યાદિનું અનુયોગદ્વાર આદિમાં સ્પષ્ટ વિધાન કરવામાં આવ્યું છે. આનાથી પ્રતીત થાય છે કે પ્રાચીન કાળમાં જૈન પરંપરામાં પણ ઉચ્ચારણવિષયક કેટલી સાવધાની રાખવામાં આવતી હતી. વર્તમાનકાળે પણ વિધિજ્ઞો આ જ રીતે પરંપરા અનુસાર સૂત્રોચ્ચારણ કરે છે અને યતિ વગેરેનું પાલન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org